ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. CBFCના પૂર્વ ચેરમેન અને પ્રોડ્યુસર પહલાજ નિહલાણીનું નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને લિવરની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. પહલાજ નિહલાણીના નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. તમામ લોકો ભીની આંખે તેમને વિદાઈ આપી રહ્યા છે. તેમણે 76 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે.
પહલાજ નિહલાણીનું નિધન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક મોટી ખોટ છે. સોશિયલ મીડિયા પર ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અચાનક આવેલા તેમના નિધનના સમાચારથી દરેક વ્યક્તિ સ્તબ્ધ છે. ફેન્સ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. પહલાજ નિહલાણીએ આંખે, રંગીલા રાજા, અંદાજ, તલાશ, અને જુલી 2 જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી.
પહલાજ નિહલાણી 2015થી 2017 દરમિયાન સેન્સર બોર્ડના ચેરપર્સન રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઘણી ફિલ્મોની સેન્સરશિપ અને ફિલ્મ સર્ટિફિકેશનને લઈને વિવાદો થયા હતા. પહલાજના નિર્ણયોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટી ચર્ચા છેડી હતી. એક પ્રોડ્યુસર તરીકે પહલાજ નિહલાણીએ ઘણી કોમર્શિયલ હિન્દી ફિલ્મો બનાવી હતી.
પહલાજે 1982માં આવેલી ફિલ્મ હથકડીથી પ્રોડ્યુસર તરીકે પોતાની કારકિર્દીની શરૂૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે આંખેં, શોલા ઔર શબનમ, અંદાજ, પાપ કી દુનિયા, તલાશ અને રંગીલા રાજા જેવી ફિલ્મો ઈન્ડસ્ટ્રીને આપી. પહલાજે જ ગોવિંદા અને ચંકી પાંડેને બોલિવૂડમાં મોટો બ્રેક આપીને તેમનું કરિયર બનાવ્યું હતું. ગોવિંદાની રંગીલા રાજા પહલાજની નિર્માતા તરીકેની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી.
