ગુજરાત
ભૂલી પડેલી તેલંગણાની મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન
181 અભયમ ટીમની સરાહનીય કામગીરી
એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા જામનગરમાં ભૂલા પડી ગયા છે અને તેમની સાથે લોકોએ વાતચીત કરતાં માત્ર તેમની પ્રાદેશિક ભાષા જ બોલે છે. આ અંગે 181 અભયમની ટીમને જાણ થતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ મમતાબેન આહુજા અને પાઇલોટ સુરજીતભાઈ વાઘેલા ઘટના સ્થળે દોડી ગયા હતાં.181ની ટીમે મહિલા સાથે મુલાકાત કરી તેણીને સાંત્વના આપી વિશ્વાસ માં લઈ, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ માત્ર તેલુગુ ભાષા બોલતાં, થોડું લખતાં અને સમજતાં હોય તેમ જાણવા મળ્યું હતું.
બાદમાં તેઓએ કાગળ પર લખ્યું અને અભયમની ટીમ દ્વારા તે શબ્દોનું ગૂગલમાં ભાષા ટ્રાન્સલેશન કરતાં મહિલાનું નામ મનીમાં રામલ્લું દાંડું અને તેલંગણા રાજ્યનાં ગામ કાકરલા પાડુંનાં વતની હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ધ્રોલ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરવામાં આવતા પોલીસે તેલુગુ ભાષાનાં જાણકાર વ્યક્તિ સાથે મહિલાને વાતચીત કરાવતા જાણવા મળ્યું હતું કે તેઓ તેમના એક જાણીતા વ્યક્તિ સાથે કામકાજ કરવાં અંહી આવેલ હોય અને તે વ્યકિત તેને છોડી જતા રહ્યા છે.
જેથી મહીલા પાસે પૈસા કે ચોક્ક્સ સરનામું, પરિવારના સંપર્ક નંબર ન હોવાથી તે ભટકાતાં હતા. ત્યારબાદ તેલંગાણા ડીસ્ટ્રીક્ટ ક્ધટ્રોલ ઓફિસનો સંપર્ક કરી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, મહિલાના પરિવારે આશરે દોઢ મહિના પહેલા ગુમનોંધ નોંધાવી છે. બાદમાં અભયમની ટીમ દ્વારા મહિલાના પરિવાર સાથે તેણીની ટેલિફોનીક વાતચીત કરતા પરિવારનો સંપર્ક થયો હતો. અને પરિવાર તેલંગાણાથી લેવા આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટર પર મહિલાને સલામત રીતે આશરો આપવામાં આવ્યો છે. જામનગર અભયમ 181 ની ટીમની જહેમત થકી મહિલાને તેનો પરિવાર મળતાં આભાર વ્યક્ત કર્યો હતો.