ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ-વનડેના કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હોવા છતાં અને IPL 2026 માં રનનો વરસાદ કરવા છતાં ગિલને હાલ T20 ટીમમાંથી સાવ બહાર રાખવામાં આવ્યો છે. આ કોઈ ખરાબ પ્રદર્શનનું પરિણામ નથી, પરંતુ BCCI ની એક મોટી રણનીતિનો ભાગ છે. બોર્ડે ગિલને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે હાલ T20 ક્રિકેટને બાજુ પર મૂકીને માત્ર 2027 ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ અને 2027 ના વનડે વર્લ્ડ કપ પર જ પોતાનું પૂરું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
મે 2025 માં રોહિત શર્માએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી ત્યારથી શુભમન ગિલને ટેસ્ટ ટીમની અને ત્યારબાદ વનડે ટીમની કમાન સોંપવામાં આવી છે. પરંતુ T20 ઇન્ટરનેશનલ ટીમમાં તેનું નામ ક્યાંય દેખાતું નથી. તાજેતરમાં રમાયેલી IPL 2026 માં ગિલે ધમાકેદાર બેટિંગ કરતા 732 રન ફટકાર્યા હતા. આમ છતાં, પસંદગીકારોએ અલગ જ રસ્તો અપનાવ્યો છે અને ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ સિરીઝ તેમજ એશિયન ગેમ્સ માટે ગિલને પડતો મૂક્યો છે. તેના બદલે ઓપનિંગ માટે અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ પર પસંદગી ઉતારવામાં આવી છે.
ન્યૂઝ એજન્સી ઙઝઈં ના રિપોર્ટ મુજબ, BCCI ના એક સૂત્રએ જણાવ્યું છે કે સિલેક્ટર્સ ગિલના વર્કલોડને લઈને ખૂબ જ ચિંતિત છે. આગામી 18 મહિનામાં ભારતીય ટીમનું ક્રિકેટ શેડ્યૂલ એટલું બધું વ્યસ્ત છે કે કોઈપણ એક ખેલાડી માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ઝ20) માં સતત રમવું અને 100% ફિટ રહેવું લગભગ અશક્ય છે. આ જ કારણસર બોર્ડે ગિલને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેણે માત્ર ટેસ્ટ અને વનડે પર જ પોતાનું ફોકસ રાખવું જોઈએ.
ગિલના T20 ક્રિકેટના ભવિષ્ય વિશે હાલમાં કંઈ પણ ચોક્કસ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. આ અગાઉ ખરાબ ફોર્મના કારણે તેણે 2026 ના T20 વર્લ્ડ કપમાં પણ પોતાની જગ્યા ગુમાવી હતી. BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2028 માં T20 વર્લ્ડ કપ અને 2028 ઓલિમ્પિક એમ બે મોટી વૈશ્વિક ઇવેન્ટ્સ આવી રહી છે. પરંતુ તેમાં હજુ 2 વર્ષનો સમય બાકી છે. 2 વર્ષ પછી કયો ખેલાડી કેવા ફોર્મમાં હશે અને કોની ફિટનેસ કેવી હશે, તે અત્યારથી જ નક્કી કરવું ઉતાવળ ગણાશે.
