હવે ફૂડ પેકેટ પર લાગશે લાલ ષટ્કોણનું લેબલ: વધુ ખાંડ, મીઠું અને ફેટવાળી વસ્તુઓ પર ચેતવણી ફરજિયાત

    બજારમાંથી ચિપ્સ, બિસ્કિટ કે અન્ય કોઈપણ પેકેટબંધ ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે હવે ગ્રાહકોને પેકેટની પાછળ લખેલી ઝીણી વિગતો વાંચવાની જરૂર નહીં પડે. કારણ…

 

 

બજારમાંથી ચિપ્સ, બિસ્કિટ કે અન્ય કોઈપણ પેકેટબંધ ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે હવે ગ્રાહકોને પેકેટની પાછળ લખેલી ઝીણી વિગતો વાંચવાની જરૂર નહીં પડે. કારણ કે, ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે.સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવિત નિયમોને વધુ કડક બનાવતા સ્પષ્ટ કર્યું છે કે વધુ માત્રામાં ખાંડ (Sugar), મીઠું (Salt) અથવા ફેટ (Fat) ધરાવતા પેકેજ્ડ ખાદ્યપદાર્થોના પેકેટ પર આગળના ભાગે સ્પષ્ટ અને અલગ-અલગ ચેતવણી લેબલ લગાવવા ફરજિયાત રહેશે, જેથી ગ્રાહકો બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનોને સરળતાથી ઓળખી શકે.

પેકેટના આગળના ભાગે ષટ્કોણ લાલ નિશાન સાથે ચેતવણી પણ લખેલી હશે. FSSAIએ આ જ વર્ષે ઓગસ્ટમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ગુરુવારે થયેલી સુનાવણીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો.

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતા પેકેટબંધ ખાદ્ય પદાર્થો પર પેકેટના આગળના ભાગમાં જ સ્પષ્ટ ચેતવણી આપવી પડશે.

જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે FSSAIને નિર્દેશ આપ્યો છે કે ફૂડ રેગ્યુલેટર દ્વારા પ્રસ્તાવિત એક જ સંયુક્ત ચેતવણીને બદલે ચિંતાજનક દરેક પોષક તત્વ માટે અલગ-અલગ લાલ રંગના ષટ્કોણ આકારના ચેતવણી લેબલ સુનિશ્ચિત કરવામાં આવે. નિર્ધારિત મર્યાદા કરતા વધુ ખાંડ, મીઠું અથવા સેચ્યુરેટેડ ફેટ ધરાવતા ઉત્પાદનો પર અનુક્રમે “HIGH SUGAR”, “HIGH SALT” અથવા “HIGH FAT”ની સ્પષ્ટ ચેતવણી લખવી પડશે. આ લેબલ પેકેટની આગળની બાજુએ સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવાના રહેશે, જેથી ગ્રાહકોએ પેકેટ પાછળ ફેરવીને ઝીણા અક્ષરોમાં લખેલું ન્યુટ્રિશન ટેબલ વાંચવાની જરૂર ન પડે.

સર્વોચ્ચ અદાલતનો આ આદેશ ફરજિયાત છે. અદાલતે FSSAI ને નિયમોનો મુસદ્દો તૈયાર કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો છે. ન્યાયપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં કોઈપણ વિલંબ સહન કરવામાં આવશે નહીં. વધુમાં, FSSAI (એફએસએસએઆઈ) ને આ બાબતે થયેલી કામગીરીની વિગતો દર્શાવતો પ્રગતિ અહેવાલ બરાબર ૧૦ અઠવાડિયામાં કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.

શાળાઓમાં પોષણ વિષયક જાગૃતિ (ન્યુટ્રિશનલ લિટરસી) ને પ્રોત્સાહન
ઉત્પાદનોના પેકેજિંગ પર માત્ર ચેતવણીઓ છાપવી પૂરતી ન હોવાથી, કોર્ટે બાળકોમાં જાગૃતિ લાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. આદેશ અનુસાર, હવે દેશભરની શાળાઓમાં ‘ન્યુટ્રિશનલ લિટરસી’ (પોષણ સંબંધી શિક્ષણ) દાખલ કરવું આવશ્યક છે. આ માટે શાળાના અભ્યાસક્રમોમાં સુધારો કરવામાં આવશે અને વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે. કોર્ટનું માનવું છે કે નાની ઉંમરથી જ સ્વસ્થ આહારની આદતો વિશે સમજ કેળવીને, આવનારી પેઢીઓને જંક ફૂડની હાનિકારક અસરોથી બચાવી શકાય છે.