જામકંડોરણાના ચિત્રાવડમાં બાઇક અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનું મોત: માતાને ઇજા

જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતુ દંપતિ પાંચ વર્ષના પુત્રને લઇને કાકાની વાડીએ આંટો મારવા ગયુ હતું. જયા પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.…

જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતુ દંપતિ પાંચ વર્ષના પુત્રને લઇને કાકાની વાડીએ આંટો મારવા ગયુ હતું. જયા પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માતા-પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. જયા માસુમ બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામકંડોરણાના ચિત્રાવડ ગામે રહેતા સંજયભાઇ રાજગોર ગત તા.14ના રોજ પોતાની પત્ની રેખાબેન રાજગોર (ઉ.વ.22)અને પાંચ વર્ષના પુત્ર સંદિપ રાજગોરને લઇ રાત્રીના સમયે બાઇકમાં જઇ રહ્યા હતા. ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા સંદિપ રાજગોર અને રેખાબેન રાજગોરને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા ટૂંકી સારવાર દરમ્યાન પાંચ વર્ષના સંદિપ રાજગોરે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક સંદિપ માતા-પિતાનો એકનો એક લાડકો પુત્ર હતો. સંજયભાઇ રાજગોર પત્ની અને પુત્રને લઇને કાકાની વાડીએ આંટો મારવા ગયા હતા. જયાથી પરત ફરતી વખતે બાઇક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં સંદિપ રાજગોરનુ મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે જામકંડોરણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.