આરોપીએ કસ્ટમ અધિકારીની ઓળખ આપી 26.15 લાખ રૂપિયા પડાવ્યા હતા
જૂનાગઢ શહેરમાં નવી કલેકટર ઓફિસ સામે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા 29 વર્ષીય મનન શશીકાંતભાઈ મહેતા નામના યુવકને ગઈ તા. 12-6-2024ના અજાણ્યા શખ્સે ફોન કરી ખોટી ઓળખ આપી યુવકના આધાર કાર્ડના ઉપયોગ દ્વારા તેના નામનું પાર્સલ મુંબઈથી તાઇવાન મોકલવામાં આવેલ છે અને તે પાર્સલમાં ડ્રગ્સ મળી આવેલ હોવાનું કહી પોલીસ તપાસના બહાને ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
બેંક ખાતાની માહિતી મેળવી તેમાં રહેલ રકમ વેરીફાઈ કરવાનું કહી યુવાન પાસેથી 26.15 લાખ પડાવી લઈ ઓનલાઇન નાણાંકીય છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ તા. 30-1-2025ના જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં થઈ હતી.
જેના પગલે પીઆઇ કે. જી. મોડે તપાસ કરતા 26.15 લાખ જે બેંક ખાતામાં જમા થયા હતા તેના ખાતાધારક આસામના સીમલાગીરી પોલીસ સ્ટેશન હેઠળના ગંધારીપરાના અજીબાર રહેમાન જાવેદઅલી હોવાનું ખુલતા તેની તા. 18-5-2025ના રોજ ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ત્યારથી જૂનાગઢ જેલમાં રહેલા આરોપી સામેનો કેસ ચાલી જતા જૂનાગઢના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી. એસ. દરજીની કોર્ટમાં ચાલી જતા તેઓએ સરકારી વકીલ ઈકબાલ સમા, સામેના વકીલની દલીલ અને પીઆઇ મોડએ તપાસની સાથે રજૂ કરેલા દસ્તાવેજી તથા ટેકનિકલ પુરાવા અને સાહેદોના નિવેદનો ધ્યાને લઈ દવાનું માર્કેટિંગ કરતા આરોપી અજીબાર રહેમાનને 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો હતો.
આરોપીએ પોતાનો ઈરાદો પાર પાડવા માટે મુંબઇ ક્રાઈમ બ્રાન્ચ અને કુરિયર કસ્ટમ અધિકારીની ઓળખ આપી હતી અને લાખો રૂૂપિયા પડાવવામાં તે સફળ થયા હતા.ડિજિટલ એરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લઈ છેતરપિંડી આચર્યાની ફરિયાદ 30 જાન્યુઆરી 2025 ના રોજ દાખલ થઈ હતી. સિનિયર પીઆઇ સી.વી. નાયકના માર્ગદર્શનમાં મહિલા પીઆઈ કે. જી. મોડે સાથી અધિકારીઓની મદદથી 18 મેં 2025ના રોજ માત્ર 4 મહિનામાં જ આરોપીને આસામથી દબોચી લીધો હતો.

