રાજકોટ-ભાવનગર હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી હતી. આટકોટના ગોંડલ ચોકડી પાસે પસાર થઈ રહેલા શ્રીહરિ નમકીન ના એક ટ્રકમાં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જોકે, સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરે સમયસૂચકતા વાપરી ટ્રકમાંથી બહાર કૂદી જતાં બંનેનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, શ્રીહરિ નમકીનનો ટ્રક જ્યારે આટકોટની ગોંડલ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો.
ત્યારે અચાનક ટ્રકની કેબિનમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ જસદણ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ સાથે જ આટકોટ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો
અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ ઘટનાએ મોટા વાહનોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. શું આવા મસમોટા વાહનોમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવે છે?, શું વાહનોનું નિયમિત મેન્ટેનન્સ અને ફિટનેસ ચેકિંગ કરવામાં આવે છે?
નિયમોનું પાલન ન કરનારા વાહન માલિકો સામે તપાસ થશે કે કેમ? તેવા અનેક વેધક સવાલો ઉઠ્યા હતા. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે હાઈવે પર દોડતા આવા ભારે વાહનોમાં નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે કે કેમ તેની ઊંડી તપાસ થવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

