ગુજરાત

ગુજરાતમાં તાત્કાલિક નાણાપંચની રચના કરાશે

Published

on

કેન્દ્ર સરકારે કાન આમળ્યા બાદ રાજ્ય સરકારની ઊંઘ ઊડી


ગુજરાતમાં પાછલા નાણાં પંચની મુદત વર્ષો પહેલાં વિતિ ગયા બાદ છેલ્લા 8 વર્ષથી નાણા પંચની રચના થઈ નથી. જેને લઈને કેન્દ્રીય નાણાં પંચ ગુજરાત સરકાર પર રોષે ભરાયું છે. કેન્દ્રીય નાણા પંચે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. નાણા પંચની મુલાકાત દરમિયાન આ મુદ્દે ગુજરાતને ચેતવણી આપવામાં આવી છે. જ્યારબાદ રાજ્ય સરકાર તાત્કાલિક નાણાં પંચ રચવાની તૈયારી કરી રહી છે.


કેન્દ્રની 15મી નાણાં પંચે પોતાના રિપોર્ટમાં આ બાબતની ચેતવણી આપી છે અને ટકોર કરી છે કે જે રાજ્યોમાં નાણાં પંચની રચના નથી થઈ, તેઓએ વહેલી તકે આ માળખું ઊભું કરવું જોઈએ. નાણાપંચ ન હોવાના કારણે ગુજરાત સરકારનું નાણાં નિયમન ફક્ત સરકારી જાહેરાતોમાં અને સીધી ફાળવણીમાં થઈ રહ્યું છે.


નાણાં પંચ દ્વારા નગર પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાં ફાળવવામાં આવે છે. પરંતુ નાણાં પંચના અભાવે રાજ્ય સરકારના વાર્ષિક અંદાજપત્રની કુલ ફાળવણીઓની 6 ટકા રકમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ફાળવી શકાતી નથી. નાણાં પંચની રચના ન થઈ હોવાથી રાજ્ય સરકાર દ્વારા વપરાશ કરાઈ રહ્યો છે, જેના કારણે સરકાર પર વધારાનો ખર્ચનો બોજો આવ્યો છે. બીજી તરફ ભંડોળ ન ફાળવાતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની નાણાંકીય સ્થિતિ કથળી ગઈ હતી.

કેટલીક પાલિકાઓ અને પંચાયતો પોતાનું વીજબીલ પણ ભરી શકી ન હતી. જણાવી દઈએ કે, રાજ્ય સરકારે છેલ્લે જ નગરપાલિકાઓને 1 હજાર કરોડ રૂૂપિયાની સીધી ચૂકવણી કરી દીધી હતી. જો નાણાં પંચ હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નિયમિત રીતે ચોક્કસ રકમ મળતી રહે છે. નાગરિક સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થાનિક વિકાસ માટેનું બજેટ નગરપાલિકાઓ અને પંચાયતો સુધી પહોંચાડવા માટે નાણાં પંચનું માળખું ખુબ જ મહત્ત્વપૂર્ણ છે.


ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય માનવામાં આવે છે, પરંતુ અન્ય રાજ્યોની સરખામણીએ નાણાં પંચની રચનામાં ગુજરાત પાછળ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં છ-છ નાણાં પંચોની રચના થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતમાં માત્ર ત્રણ નાણાં પંચ બન્યા છે. 2015માં અંતિમ નાણાં પંચની મુદત પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર નાણાં પંચની રચના કરવામાં ભૂલ કરી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version