જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા…

જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. જસદણ પોલીસે બંને પક્ષોની સામસામે ગુનાહિત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શિવરાજપુર ગામના રાહુલ વાલજીભાઈ ઝાપડીયા અને બાબુભાઈ લાલજીભાઈ સાપરાના મોટરસાયકલ સામસામે પસાર થતી વખતે રાહુલના બાઇક પર ટીંગાડેલ દૂધનું કેન બાબુભાઈની બાઇકની પેટી સાથે ઘસાઈ ગયું હતું.

આ બાબતનો ખાર રાખી રાત્રે ફોન પર ગાળાગાળી થઈ હતી. ત્યારબાદ રાત્રિના સાડા નવથી દસ વાગ્યાના અરસામાં, રાહુલ ઝાપડીયા તેના પિતા વાલજીભાઈ, ભાઈ વિશાલ, મિત્રો અને સગા સંબંધીઓ સહિત કુલ 8 વ્યક્તિઓનું જૂથ ધોકા, પાઇપ અને કુહાડી જેવા હથિયારો સાથે બાબુભાઈ સાપરાની વાડીએ પહોંચ્યું હતું. ત્યાં મામલો બિચકતાં બંને પક્ષે હથિયારો ઉછળ્યા હતા. પ્રથમ પક્ષના રાહુલ ઝાપડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી બાબુભાઈ સાપરા, શૈલેષ સાપરા અને સુનીલ મકવાણાએ હુમલો કરી રાહુલના પિતા વાલજીભાઈના માથામાં લોખંડનો પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી, જ્યારે રાહુલને મોઢાના ભાગે લાકડી વાગતાં પાંચ ટાંકા આવ્યા હતા.

આ ઉપરાંત તેના ભાઈ અને પિતરાઈને પણ ઇજાઓ થઈ હતી. જ્યારે સામા પક્ષે બાબુભાઈ સાપરાએ નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાહુલે જાનથી મારી નાખવાના ઇરાદે તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં તે ખસી જતાં ડાબા કાનના ભાગે કુહાડી વાગતા પાંચ ટાંકા આવ્યા છે. તેમજ અન્ય આરોપીઓએ લાકડી અને પાઇપ વડે માર માર્યો હતો. પોલીસે બંને પક્ષે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો તેમજ હથિયાર બંધીના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. ગોસાઈ ચલાવી રહ્યા છે.