સામાન્ય રીતે વ્યાજખોરીના દૂષણમાં ફસાયેલા નાગરિકો ન્યાય માટે પોલીસ પાસે દોડી જતા હોય છે, પરંતુ ભાવનગરમાં સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાએ પોલીસ બેડામાં જ વ્યાજખોરી કેટલી હદે ઘર કરી ગઈ છે તેનો ચિતાર આપ્યો છે. શહેરની એન્ટી કરપ્શન બ્યુરો કચેરીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ જ વ્યાજના વિષચક્રમાં ફસાઈને આપઘાતના માર્ગે ધકેલાયા હોવાની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમાં ચકચાર મચાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ભાવનગર જિલ્લાના ખોખરા ગામના વતની અને હાલ ભાવનગર ખાતે રહેતા પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ હાલ અઈઇ ભાવનગર ખાતે ફરજ બજાવે છે, તેઓ ગઈકાલે બપોરથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. ગઈકાલે તેઓ રાબેતા મુજબ એસીબી કચેરીએ ફરજ પર હાજર થયા હતા. ફરજ દરમિયાન જ તેઓ પોતાનો મોબાઈલ ફોન અને બાઈકની ચાવી ટેબલના ખાનામાં મૂકી, એક સુસાઈડ નોટ લખીને કચેરીમાંથી નીકળી ગયા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારમાં ચિંતા પ્રસરી હતી અને ત્યારબાદ કચેરીમાં તપાસ કરતા તેમની સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે જીવન ટૂંકાવી રહ્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાની જાણ થતા જ એસીબીના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ગઈકાલે મોડી રાત્રે એસીબીના ડીવાયએસપી એસ.એન. બારોટ સહિતનો સ્ટાફ અને ગુમ થયેલા કોન્સ્ટેબલના પરિવારજનો નીલમબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે ગુમ થયેલા કોન્સ્ટેબલના મોટાભાઈ વિરેન્દ્રસિંહ ગોહિલ, કે જેઓ પોતે જછઙ માં ફરજ બજાવે છે, તેઓ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમના ભાઈ જયેન્દ્રસિંહને માથે આર્થિક લેણું થઈ ગયું હતું. આ લેણાની વસૂલાત માટે અને શેરબજારમાં રોકાણના નામે પૈસા આપનાર એક ડીવાયએસપી, ત્રણ પીઆઈ સહિત કુલ 13 જેટલા લોકો છેલ્લા ઘણા સમયથી તેમને સતત ત્રાસ આપી રહ્યા હતા, ધાક-ધમકી આપતા હતા.વિરેન્દ્રસિંહના જણાવ્યા મુજબ, ભયના માર્યા તેમના ભાઈ પાસે બળજબરીપૂર્વક એફિડેવિટ લખાવી લેવામાં આવી છે અને કોરા ચેકો પર સહીઓ પણ કરાવી લેવામાં આવી છે. જયેન્દ્રસિંહને એક નાનું બાળક છે અને પરિવાર હાલ અત્યંત ચિંતામાં છે. તેમણે પોલીસ તંત્ર પાસે પોતાના ભાઈને શોધી કાઢવા અને ત્રાસ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટનાને ગંભીરતાથી લઈ નીલમબાગ પોલીસ મથકના પીઆઈ ઉનાડકટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ડી-સ્ટાફ અને એલસીબીની ટીમોને પણ શોધખોળમાં જોડી છે. ગુમ થયેલા કોન્સ્ટેબલના છેલ્લા લોકેશનને ટ્રેસ કરવા માટે શહેરના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. સુસાઈડ નોટમાં ઉલ્લેખિત 13 નામો કોના છે અને વ્યાજખોરીનું આ નેટવર્ક કેટલું મોટું છે, તે અંગે હાલ પોલીસે સત્તાવાર રીતે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ આ કિસ્સાએ પોલીસ બેડામાં ચાલતી આંતરિક વ્યાજખોરીની પ્રથા પર અનેક સવાલો ઉભા કર્યા છે. જો કાયદાના રક્ષકો જ આવા વિષચક્રમાં ફસાતા હશે તો સામાન્ય પ્રજાનું શું થશે, તેવી ચર્ચા શહેરભરમાં ચાલી રહી છે.
