ગુજરાત
ગોંડલ અને વંથલીમાં ગૃહક્લેશથી કંટાળી બે યુવકના આપઘાતના પ્રયાસ
ગોંડલ અને વંથલીમાં ગૃહકલેશથી કંટાળી બે યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો બંને યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આશાપુરા સોસાયટીમાં રહેતા સમીર નાનજીભાઈ ચાવડા નામના 35 વર્ષના યુવાને ગૃહકલેશથી કંટાળી ભોજપરા ગામના પાટીયા પાસે કારખાનામાં હતો ત્યારે ઘેનના વધુ પડતા ટીકડા ખાઈ લીધા હતા જ્યારે વંથલીમાં આવેલી ગુરુકુળ સોસાયટીમાં રહેતા હુસેન મહમદભાઈ થારાણી નામના 25 વર્ષના યુવાને પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. બંને યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ ઉપરાંત અન્ય બનાવમાં ઉપલેટામાં આવેલા હરિઓમનગરમાં રહેતા સંજય જયંતીભાઈ સિહોરા નામના 34 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી લીધું હતું. જ્યારે કેશોદમાં રહેતા સંજય ચંદુભાઈ સોલંકી નામના 22 વર્ષના યુવાને બે દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બંને યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.