Site icon Gujarat Mirror

જેતપુરની શાળામાં છાત્રને ફાધરની ફડાકાવાળી

જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફાધર માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સ્કૂલની લોબીમાં આવી રહેલા વિદ્યાર્થીને કોઈ કારણોસર ફાધરે પાંચ ફડાકા ઝીંકી દીધા હતા.

જેતપુરની ગ્રાન્ટેડ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં જ સ્કૂલના જ ફાધર દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે સ્કૂલનો સમય શરૂૂ થયા બાદ સવારે તમામ વિદ્યાર્થીઓ ક્લાસમાં જતા હોય છે, એવામાં લોબીમાં જતા એક વિદ્યાર્થી ઉપર આ જ સ્કૂલના ફાધર તૂટી પડે છે અને તેને 5થી 6 લાફા મારી દે છે. એને કારણે આસપાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્યાં એકઠા થઈ જાય છે. જોકે વિદ્યાર્થીને કયા કારણથી લાફા મારવામાં આવ્યા એ હજુ સુધી સામે આવ્યું નથી.આ અંગે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફાધર દ્વારા કોઈ વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાના સીસીટીવી મને મીડિયાના માધ્યમથી મળ્યા છે, જેથી આ ઘટના અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ આપવામાં આવી છે, જોકે આ ઘટના એક અઠવાડિયા પહેલાંની એટલે કે 16 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થી કોણ હતો? કયા ધોરણમાં અભ્યાસ કરતો હતો ? અને ફાધર દ્વારા શા માટે માર મારવામાં આવ્યો એ અંગે તપાસ બાદ જ ખ્યાલ આવશે. એક અઠવાડિયા બાદ પણ આ ઘટનામાં હજુ સુધી મને વાલીની ફરિયાદ મળી નથી.

Exit mobile version