પિતા : મૌન ત્યાગનો અદૃશ્ય મહાસાગર

માતાના પ્રેમ વિશે દુનિયા ઘણી ઘણી ઉપમા આપતી હોય છે. જેમકે કવિઓ કવિતાઓ લખે છે, લેખકો કરૂણાની મૂર્તિ માટે સરસ લેખ લખતા હોય છે, “જનનીની…

માતાના પ્રેમ વિશે દુનિયા ઘણી ઘણી ઉપમા આપતી હોય છે. જેમકે કવિઓ કવિતાઓ લખે છે, લેખકો કરૂણાની મૂર્તિ માટે સરસ લેખ લખતા હોય છે, “જનનીની જોડ સખી નહીં મળે રે લોલ”, જેવાં લોકગીતો આપણા કાનમાં સતત ગુંજતા હોય છે. પરંતુ પિતાના પ્રેમને ચોપડે દર્શાવનાર બહુ ઓછા લોકો હશે. વાસ્તવમાં પિતાનો પ્રેમ શબ્દ વગરનો, ચહેરા પર પ્રગટ ન થતાં અંતરથી વહેતો હોય છે. મૌન પ્રેમ જે કોઈ જોઈ શકતું નથી. પોતાની દરેક લાગણી પણ મૌન જ હોય છે. પિતાના હાથ કઠણ જરૂૂર છે, પણ તેનું દિલ ખૂબ નરમ હોય છે.

એક મજબૂત પિતા પોતાના બાળકને માત્ર શિક્ષણ જ નહીં, પણ જીવન જીવવાની કળા શીખવે છે. પોતાના સપનાઓને, મોજ શોખને, અરે આટલું જ નહીં, પોતાની પ્રાથમિક જરૂૂરિયાતોને પણ હસતે મોઢે વિદાય કરીને પોતાના પરિવાર માટે સતત ઝઝૂમતા હોય છે. પોતાના બાળકો અને પરિવારને અઢળક પ્રેમ કરનારને જતાવતા આવડતું નથી. કદાચ તેથી જ પિતાના છૂપા પ્રેમને કવિતાઓમાં સ્થાન નહીં મળ્યું હોય. કઠણ કાળજે પરિવારની ઢાલ બનીને તડકાં-છાયા વેઠનાર જાહેરમાં પોતાનાં દર્દ પણ બતાવે નહીં તે પિતા.

દુનિયા આજે ભલે બદલાઈ ગઈ, આધુનિકતાએ અતિ પગ પેસારો કર્યોં, ટેક્નોલોજીએ હરણફાળ ભરી, પરંતુ એક પિતા આ બધા ફેરફારોની વચ્ચે પણ અડીખમ છે. પરિવારના સશક્ત આધારસ્થંભ તરીકે પિતા માત્ર અન્નદાતા જ નહીં, પણ એક સાચા માર્ગદર્શક, મિત્ર, પ્રેરણાસ્ત્રોત અને જીવનના મૌન હીરો છે. મોટાભાગના બાળકોને એ પણ ખબર હોતી નથી કે તેની સ્કૂલ કે કોલેજની ફી, તેમની પસંદગીની સાઇકલ કે બાઈક કે પછી મોટા સપનાઓ પૂરાં કરવા પાછળ તેના પિતાનો કેટલો સંઘર્ષ છૂપાયેલો છે. જીવનનાં ચોપડે ક્યારેય ના દર્શાવનાર પિતા ખુશી ખુશી બધું કરતા રહે છે. તેમના માટે પરિવારની ખુશી જ તેમનો મહાન પુરસ્કાર છે.

દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે ઉજવાતો “world fathers day’ એ કોઈ ઉજવણી નથી, પણ જીવનમાં પિતાની ભૂમિકાને સમજવાનો, તેમની મહેનત, સંઘર્ષ અને મૌન ત્યાગને ઓળખવાનો દિવસ છે. સફળતા, સંસ્કાર અને શિસ્ત શીખવનાર પિતા પોતાના બાળકોના હૃદયમાં વસે છે. આજે સોશિયલ મીડિયા, ઝડપી સફળતા પાછળ દોડનાર યુવાનોને એકલતા, દબાણ અને ગેરદિશામાં ધકેલાતા જરા પણ વાર નથી લગતી. આવા સમયે એક પિતા અંધારામાં પણ માર્ગ બતાવીને જીવનને ઉજળું બનાવે છે. આવા કપરા સમયે પિતાની ભૂમિકા અનેકગણી વધી જાય છે. કઠોર હૃદયના પિતાને સમજવા માટે એક કઠોર છતાં કૂણી લાગણીઓ જ સમજી શકે.

કઠણ કાળજું ધરાવનાર પિતાને પોતાના કાળજા સમાન દીકરીને વળાવતા આંસુ વહાવતા તો ઘણાએ જોયા હશે, પરંતુ જીવનના દરેક ડગલે ને પગલે આવતી મુસીબતોને એકલાં હાથે સામનો કરીને ઘરમાં સદા હસતા મોઢે રહેનાર પિતાને તો બધાએ જોયા જ હશે. પિતાને રડીને દુ:ખ બતાવવાની કદાચ આ જગતમાં જગ્યા જ નહીં હોય, બાકી તકલીફ તો સૌથી વધું ઘરના મોભીને જ પડતી હોય છે.

શા માટે દીકરાને રડવાની પણ પરમિશન નહીં હોય? હૈયું હળવું કરવા શા માટે કોઈ ખૂણો નહીં હોય? શા માટે દરેક તકલીફો એકલા જ વેઠવી પડે? પિતાના કઠોર હૃદય પાછળ છૂપાયેલી એકદમ નરમ લાગણીઓ કેમ કોઈને દેખાતી નહીં હોય? કદાચ મા કરતાં પણ વધુ પ્રેમ કરનાર પિતાને જાહેરમાં પોતાની લાગણીઓ બતાવવાનો હક્ક આ સમાજે જ નથી આપ્યો.

પુરુષ જો રડે તો સ્ત્રી જેવો કહીને નિંદા કરનાર સમાજે જ પુરુષને કઠોર બનાવી નાખ્યો છે. વાસ્તવમાં જે બાપ દીકરીની વિદાય સમયે સૌની સામે અશ્રુ વહાવતો હોય એ બાપને જયારે પોતાના જ દીકરાઓ તકલીફો આપે કે વૃદ્ધાશ્રમમાં મોકલે ત્યારે તેની હાલત શું થતી હશે એ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જેણે તમારા સુખ ખાતર બધું છોડ્યું હોય તેને બે ટકનાં ભોજનમાંથી તો ના જ જવા દેવા જોઈએ. આખી જિંદગી પરસેવો વહાવનાર પિતા માટે વૃદ્ધાશ્રમનો દરવાજો તો ના જ ખોલાય. જે લોકો મા-બાપનું જતન કરે છે તેને કોઈ વ્રત, તપ કે જાત્રા કરવી પડતી નથી.