દીકરીને ભગાડી જનાર યુવકના પિતાને મારીને લટકાવી દીધા

જૂનાગઢના ચકચારી રાજુ સોલંકી અને તેના પરિવાર સામે સલીમભાઈ શેખની હત્યાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. દાતાર રોડ પર રહેતા શેખ ફૈઝલ સલીમભાઈએ…

જૂનાગઢના ચકચારી રાજુ સોલંકી અને તેના પરિવાર સામે સલીમભાઈ શેખની હત્યાનો ગંભીર આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. દાતાર રોડ પર રહેતા શેખ ફૈઝલ સલીમભાઈએ જૂનાગઢ કલેક્ટર, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને તેમના પિતા સલીમભાઈ શેખના મૃત્યુને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા ગણાવી છે. ફૈઝલ શેખે આક્ષેપ કર્યો છે કે, 13 મે, 2025માં તેમના પિતાની હત્યા રાજુ સોલંકીના કહેવાથી કરવામાં આવી હતી. અત્યારે વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી જાણે કે ગુનાની કબૂલાત કરતા હોય તેવું સંભળાઈ રહ્યા છે. હાલમાં આ મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે. તો બીજી તરફ પરિવારે ન્યાયની માગ સાથે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

આ સમગ્ર વિવાદની જડમાં એક વર્ષ પહેલા બનેલી પ્રેમ પ્રકરણની ઘટના જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ફૈઝલ શેખે જણાવ્યું હતું કે, તેમના નાના ભાઈને રાજુ સોલંકીની પુત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને તેઓ પોતાની મરજીથી સાથે રહેવા લાગ્યા હતા. જે તે સમયે રાજુ સોલંકી અને તેમના પત્ની હંસાબેન જેલમાં હતા, પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ હંસાબેન અને તેમના સાગરિતો દ્વારા ફૈઝલના પિતા સલીમભાઈને સતત ટોર્ચર કરવામાં આવતા હતા. ગેંગના માણસો દ્વારા તેમની રેકી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી, જેના કારણે સલીમભાઈ ભારે માનસિક તણાવમાં રહેતા હતા.

14 મે, 2025ના રોજ કોડીનાર ગયેલા સલીમ શેખનો મૃતદેહ વંથલી પાસે ઓઝત નદીના કાંઠે નવાગામની સીમમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. પોલીસે તે સમયે તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો, પરંતુ પરિવાર તેને પહેલેથી જ હત્યા ગણાવતો હતો.

હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી એવું બોલતા સંભળાય છે કે, મારી દીકરીને ભગાડી જનારનો બાપ ફાંસી ખાય મરી ગયો કે ટીંગાડવા વાળાએ ટિંગાડી દીધો એ ડઢણ અને પોલીસ તપાસમાં તો આત્મહત્યા જ આવી છે. આ ઓડિયો ક્લિપને મુખ્ય પુરાવો ગણીને પરિવારે ફરી ન્યાયની ગુહાર લગાવી છે.

અરજદાર ફૈઝલે આવેદનપત્રમાં અલગ-અલગ મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજમાં તેમના પિતા રાજુ સોલંકીના માણસોથી જીવ બચાવીને ભાગતા દેખાયા હતા. ઘટનાસ્થળની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવતા તેમણે કહ્યું કે, લાશના પગ જમીનને અડેલા હતા અને પગમાં ચપ્પલ પહેરેલા હતા, જે ગળેફાંસો ખાવાની સ્થિતિમાં અશક્ય છે. ગરદન પર પનીયું જે રીતે વિંટાયેલું હતું તે પણ શંકાસ્પદ છે, કારણ કે ત્યાં કોઈ ફાંસો બનાવવામાં આવ્યો નહોતો.

પરિવારની માગ છે કે, રાજુ સોલંકી જેલમાં હોવા છતાં આ આખું કાવતરું રચ્યું હોય, તેમની સામે આઈપીસી કલમ 302 અને 120-બી મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવે. વાઇરલ ઓડિયો ક્લિપનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવામાં આવે અને આરોપીઓના નાર્કો તેમજ લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ફૈઝલ શેખે ચીમકી ઉચ્ચારી છે કે, જો આ મામલે તટસ્થ તપાસ કરી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, તો તેમનો પરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતરશે. આ આવેદનપત્રની નકલ રાજ્યના ડીજીપી અને માનવ અધિકાર આયોગને પણ મોકલવામાં આવી છે.