ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક સહાયમાં ખેડૂતોની મજાક

Published

on


સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદથી થયેલા પાક નુકશાનીનો સર્વે કરવા અને વળતર ચૂકવવામાં જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા મોટાપાયે ગેરરીતિ અને બેદરકારી થયાની ખેડૂતો રજૂઆતો કરતા હતા. ત્યારે હાલ ખેડૂતો સાથે મજાક કરી હોય એમ રૂૂ. 4-5 હજાર જ જમા થયા હતા.
એક ખેડૂતની માત્ર કાગળ ઉપર જમીન મળી હોવા છતાંય ફોર્મ ભરતા પાક નુકસાનીની સહાય જમા થતા ખેતીવાડી વિભાગમાં લોલમ્લોલ ચાલતું હોવાથી મજાક સમાન ખેડૂતોએ ચેક પરત કરી ન્યાયની માંગ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ચોમાસામાં ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું. જેથી રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી પાક નુકશાની સહાય ચૂકવવાની જાહેરાત કરાતા ખેડૂતોને પુરતી સહાય મળવાની આશા હતી.


પરંતુ અનેક ખેડૂતોના ખેતરોમાં સર્વે ના થયા સર્વે થયા તો પુરતી સહાય ના મળી અને અમુક ખેડૂતની માત્ર કાગળ ઉપર જમીન હોવા છતાંય સહાય ચૂકવાતા ખેતીવાડી વિભાગ સુરેન્દ્રનગર દ્વારા આડેધડ સર્વેની કામગીરી કરાઈ હોવાનું સામે આવતા ખેડૂતોએ નજીવી સહાયના ચેક મંગળવારે ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડા સાથે ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે ધસી જઈને જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારને પરત આપી ઉચ્ચ સ્તરીય તપાસ કરી પુરતું વળતર ચૂકવવાની માંગ બુલંદ કરી હતી.


હવે ધ્રાંગધ્રા તાલુકાના 35 ગામડાના ખેડૂતોના ખેતરમાં નુકશાનીનો સર્વે જ નથી થયો. પરંતુ ફોર્મ ભર્યા છે. એ ખેડૂતોને કેટલી અને ક્યારે સહાય ચૂકવાય છે. સાથે 4-5 હજાર રૂૂપિયાની સહાય ચૂકવી મજાક કરી છે. એ ખેડૂતોને પુરતી સહાય ચૂકવાય છે કે નહીં. એની સામે જિલ્લાભરના ખેડૂતોની નજર મંડાયેલી છે.


મૂળીના એક ખેડૂતની જમીન હજુ માત્ર કાગળ ઉપર જ છે. એથી કોઈ પાક વાવ્યો જ નથી. તેમ છતાંય ખેડૂતે ફોર્મ ભરતા સહાય જમા થયાનું સામે આવતા સુરેન્દ્રનગર ખેતીવાડી વિભાગના અધિકારી, ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીની કામગીરી સામે શંકા સેવાઈ રહી છે. જેથી કડક કાર્યવાહીની ખેડૂતોએ માંગ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી એમ. એ. પરમારે જણાવેલ કે ખેડૂતોની રજૂઆત ઉચ્ચકક્ષાએ મોકલીશું અને સહાય જે તે ગ્રામ્ય વિસ્તારના ગ્રામસેવકના સર્વેના રિપોર્ટ મુજબ ચૂકવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version