એકેડેમી ઓફ મોશન પિક્ચર દ્વારા આમંત્રણ
બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (અખઙઅજ) દ્વારા તેને પ્રતિષ્ઠિત સભ્યપદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે હવે ફરાહ ખાનને વિશ્વપ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડ્સમાં મતદાન કરવાનો અધિકાર મળશે. આ સન્માન અંગે ખુશી વ્યક્ત કરતાં ફરાહ ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ’આ પ્રતિષ્ઠિત ગ્રુપનો ભાગ બનવા બદલ હું અત્યંત ખુશી અને ગૌરવ અનુભવું છું.’ફરાહને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને સેલેબ્રિટીએ અભિનંદન પાઠવ્યાં હતાં.
ત્રણ દાયકાથી વધુ સમયથી ફરાહ ખાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની અગ્રણી કોરિયોગ્રાફર તરીકે કાર્યરત છે. તેણે અનેક સુપરહિટ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે અને ત્યારબાદ ’મૈં હૂં ના’, ’ઓમ શાંતિ ઓમ’ અને ’હેપ્પી ન્યૂ યર’ જેવી સફળ ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું છે. ફિલ્મો ઉપરાંત તેઓ રિયાલિટી શો અને ડિજિટલ પ્લેટફોર્મ પરના પોતાના લોકપ્રિય વ્લોગ્સ દ્વારા પણ દર્શકો સાથે સતત જોડાયેલી રહે છે.એકેડેમીનું સભ્યપદ મળતાં ફરાહ ખાન હવે વૈશ્વિક સ્તરે ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેવા ભારતીય ફિલ્મકારોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
