Site icon Gujarat Mirror

અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો; પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેરી દવા પી આપઘાત

જસદણના ભાડલા ગામની ઘટના: પરિણીતાના મોતથી બે સંતાને માતાની મમતા ગુમાવી

જસદણના ભાડલા ગામે પત્નીને અનૈતિક સબંધ રાખવા મુદ્દે પતિએ ઠપકો આપ્યો હતો. જે ઠપકાથી માઠું લાગતા પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતી સોનલબેન લવકુશભાઈ ચાવડા નામની 27 વર્ષની પરિણીતા પોતાની વાડીએ હતી ત્યારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભાડલા પોલીસને જાણ કરતા ભાડલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં સોનલબેન ચાવડાના સાત વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સોનલબેન ચાવડાને પરપુરુષ સાથે આડા સંબંધ હતા જેની પતિને જાણ થતા પતિ લવકુશભાઈ ચાવડાએ આપણને આ સારું ન લાગે તેવું કહી ઠપકો આપ્યો હતો. પતિના ઠપકાથી માઠુ લાગી આવતા પત્નીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version