ધોરાજીમાં ગેરકાયદેસર અને નકલી બ્રાન્ડેડ પાન-મસાલા તેમજ તમાકુનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. લોકપ્રિય બ્રાન્ડ્સના નામે હલકી ગુણવત્તાવાળો મસાલો પેક કરી જનતા સાથે છેતરપિંડી આચરવાના આ રેકેટમાં પોલીસે દરોડો પાડીને એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં નકલી સામગ્રી તથા મશીનરી સહીત રૂૂ.1.36 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે.
ધોરાજીના દાણાવાલા ચોક પાસે આવેલા સીટી પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે રહેતા સદામ રજાકભાઈ રગારી નામના શખ્સના રહેણાક મકાનમાં નકલી બ્રાન્ડેડ પાન-મસાલા તેમજ તમાકુનું ઉત્પાદન થાય છે જાના આધારે પોલીસે દરોડો પાડી ઘરની તલાશી દરમિયાન ત્યાં ગેરકાયદેસર રીતે નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું આખું નેટવર્ક કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. નામાંકિત બ્રાન્ડ્સના નામે છેતરપિંડી આરોપી સદામ રગારી કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે લાયસન્સ વગર વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના નામે નકલી અને હલકી ગુણવત્તાવાળી તમાકુનું પેકિંગ કરતો હતો. બજારમાં અસલી તરીકે ખપાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના અને આર્થિક છેતરપિંડી આચરવાના આશયથી આ આખું કારખાનું ઘરની અંદર જ ચલાવવામાં આવી રહ્યું હતું.
મકાન માંથી વિવિધ પ્રકારની પેકિંગ સામગ્રી અને મશીનરી સહિત કુલ રૂૂ.1,36,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં વિમલ પાન મસાલા અને બાગબાન તમાકુના મોટા પ્રિન્ટેડ રોલ, ખાલી પાઉચ, 60 કિલો વજન ધરાવતી સોપારીની ભૂકી ભરેલી 12 બોરીઓ, લૂઝ તમાકુ, હીટ મશીન, મિક્સર, ઈલેક્ટ્રીક વજન કાંટો અને પાઉચ સીલ કરવાના નાના-મોટા 3 મશીનોનો સમાવેશ થાય છે. આ તમામ સામગ્રી બિનઅધિકૃત રીતે નકલી ઉત્પાદન માટે રાખવામાં આવી હોવાનું સાબિત થયું છે.
આ મામલે ધોરાજી પોલીસે આરોપી સદામ રજાકભાઈ રગારી વિરુદ્ધ છેતરપિંડી તેમજ કોપીરાઈટ એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ કેસની આગળની એએસઆઈ મહેશભાઈ રૈયાભાઈ રાડાને સોંપવામાં આવી છે. નકલી ચીજવસ્તુઓના આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
