ગુજરાત
બિસ્માર માર્ગો મુદ્દે પૂર્વ મેયરનો આક્રોશ, શહેરીજનોમાં રોષ
શોભાયાત્રા, સત્સંગ સહિતના કાર્યક્રમો
જામનગર શહેરના માર્ગોની દયનીય સ્થિતિ સામે પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવિણભાઈ માડમે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને માર્ગોની તાત્કાલિક રીપેરિંગની માંગ કરી છે. શહેરના મોટાભાગના રસ્તાઓ ખાડાઓથી ખચોખચ ભરેલા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને નાના વાહનોના અકસ્માતોમાં વધારો થયો છે અને લોકોને કમરના દુખાવા જેવી સમસ્યાઓ પણ ઉભી થઈ છે.
પ્રવિણભાઈ માડમે જણાવ્યું હતું કે, ચોમાસા પહેલાથી જ શહેરના રસ્તાઓ ખરાબ હાલતમાં હતા અને ચોમાસામાં તો આ સ્થિતિ વધુ બગડી છે. મનપા તંત્ર દ્વારા અવારનવાર ખોદકામ કરવામાં આવે છે, પરંતુ તે પછી ખાડાઓ પૂરવામાં આવતા નથી. સરકારી નિયમો અનુસાર 15 સપ્ટેમબર પછી ખાડા પૂરવાની કામગીરી શરૂૂ કરી શકાય છે, પરંતુ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોવા છતાં મનપા તંત્ર આ દિશામાં કોઈ કાર્યવાહી કરતું નથી.
પ્રવિણભાઈ માડમે ઉમેર્યું હતું કે, જામનગરના માર્ગોની આટલી ખરાબ હાલત અગાઉ ક્યારેય જોવા મળી નથી. બેડીગેઈટ અને જૂના રેલવે સ્ટેશન જેવા શહેરના મુખ્ય માર્ગો પણ ખાડાઓથી ખચોખચ ભરેલા છે. તેમણે દિવાળીના તહેવારો પહેલા માર્ગોની રીપેરિંગને ટોચની પ્રાથમિકતા આપવાની માંગ કરી છે. જામનગરના નગરજનોમાં માર્ગોની આ દયનીય સ્થિતિને લઈને ભારે રોષ છે. તેઓ મનપા તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.