ઘરમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન આવ્યા પછી એલપીજી (LPG) સિલિન્ડર સરેન્ડર કરવાની ચિંતા હવે ભૂતકાળ બની જશે. કેન્દ્ર સરકારે એલપીજી સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશનના નિયમોમાં ઐતિહાસિક સુધારો કરીને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. ગ્રાહકોની સુવિધા અને બદલાતી જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારે ’એલપીજી રેગ્યુલેશન ઓફ સપ્લાય એન્ડ ડિસ્ટ્રિબ્યુશન એમેન્ડમેન્ટ ઓર્ડર 2026’ બહાર પાડ્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવે ગ્રાહકો પોતાનું એલપીજી કનેક્શન હોલ્ડ પર રાખી શકશે અને જરૂૂર પડ્યે ભવિષ્યમાં તેને ફરીથી લાઈવ એટલે કે ચાલુ કરાવી શકશે.
નવા સંશોધન મુજબ, જે ગ્રાહકો પોતાના ઘરે પીએનજી કનેક્શન સેટઅપ કરાવે છે, તેમણે આગામી 30 દિવસની અંદર એલપીજી કનેક્શન સરેન્ડર કરવા માટે અરજી કરવાની રહેશે. જો કે, આ પ્રક્રિયામાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ ટ્રાન્સફર વાઉચરની સુવિધા છે. આ વાઉચર એક ગેરંટી તરીકે કામ કરશે. જો તમે ભવિષ્યમાં કોઈ એવા વિસ્તાર કે શહેરમાં શિફ્ટ થાઓ છો જ્યાં પીએનજી લાઇન ઉપલબ્ધ નથી, તો તમે આ જ ટ્રાન્સફર વાઉચર બતાવીને કોઈ પણ વધારાના સિક્યોરિટી ડિપોઝિટ વગર પોતાનું જૂનું એલપીજી કનેક્શન સેક્ધડોમાં ફરી શરૂૂ કરાવી શકશો.
અત્યાર સુધી ભાડે રહેતા પરિવારો, આઈટી પ્રોફેશનલ્સ, કેન્દ્રીય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઘરમાં પીએનજી લેતા અચકાતા હતા. તેમને ડર હતો કે જો એકવાર ગેસ સિલિન્ડરનું કનેક્શન કપાઈ ગયું, તો બીજા શહેરમાં ગયા પછી નવું કનેક્શન લેવા માટે ફરીથી લાંબી લાઈનો, વેરિફિકેશન અને નવો ખર્ચ કરવો પડશે. સરકારના આ નિર્ણયથી ડોક્યુમેન્ટેશનની માથાકૂટનો કાયમી અંત આવ્યો છે.
દેશના મેટ્રો સિટીઝ અને સ્માર્ટ સિટીઝમાં પીએનજી નેટવર્ક ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સરકારનો આ નિર્ણય ગ્રાહકોને ફ્લેક્સિબિલિટી (લચીલાપણું) આપશે અને દેશમાં ગ્રીન એનર્જીના વપરાશને વધુ વેગ આપશે.
