ગુજરાત

રોગચાળો બેકાબૂ: ડેેન્ગ્યુએ વધુ બે ભોગ લીધા

Published

on

ભાઇના ઘરે આવેલા પરપ્રાંતીય સગીર અને છ દિવસથી સારવારમાં રહેલી કાગવડની પરિણીતાએ દમ તોડયો

અઠવાડિયામાં ડેન્ગ્યુના 24, ચિકનગુનિયા અને ટાઇફોઈના 3-3, મેલેરિયાનાં બે કેસ નોંધાયા; શરદી-ઉધરસ- તાવ અને ઝાડા-ઊલટીના બે હજાર દર્દી

રાજયભરમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી હોય તેમ ડેેન્ગ્યુ, મલેરીયા, તાવ, શરદી-ઉધરસ, ચિકનગુનીયા અને ટાઇફોઇડના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ડેેન્ગ્યુએ વધુ બે વ્યક્તિનો ભોગ લેતા હાહાકાર મચી ગયો છે. ભાઇના ઘરે આવેલો 15 વર્ષીય સગીર અને રાજકોટ હોસ્પીટલમાં સારવાર લઇ રહેલી કાગવડની પરિણીતાનું ડેેન્ગ્યુથી મોત નીપજયું હતું.


જાણવા મળતી વિગત મુજબ ઉતરપ્રદેશમાં રહેતો સાદેન્દ્ર અશરફી સોનકર નામનો 15 વર્ષીય સગીર રાજકોટમાં રહી મજુરી કામ કરતા તેના મોટાભાઇના ઘરે ફરવા આવ્યો હતો. જેની ગત ગુરૂવારે તાવ આવતા ખાનગી હોસ્પીટલમાં રિપોર્ટ કરાવતા શનિવારે મોડી રાત્રે ડેેન્ગ્યુ પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. બાદમાં રવિવારે સવારે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેનું મોત નિપજયું હતું.


જયારે બીજા બનાવમાં જેતપુરના કાગવડ ગામે રહેતી રંજનબેન અક્ષયભાઇ રીબડીયા (ઉ.વ.24) નામની પરિણીતા છ દિવસથી ડેેન્ગ્યુની ઝપટે ચકી જતાં રાજકોટની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ હતી. બાદમાં સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા આજે તેનું હોસ્પીટલના બિછાને મોત નીપજયું હતું. પ્રાથમિક તપાસાં મૃતક પરિણીતાના લગ્ન છ વર્ષ પહેલા થયા હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.


રાજકળોટ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયેલા કેસો મુજબ ગત તા.7 થી 13 સુધી અઠવાડીયામાં ડેેન્ગ્યુના 24, મેલેરીયાના 2, ચિકન ગુનિયાના 3, ટાઇફોઇડના 3, કોલેરાનો 1, તાવના 673, શરદી-ઉધરસના 1112, ઝાડા-ઉલટીના 166 કેસ નોંધાયા છે. જેથી મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય તંત્રની 360 ટીમો દ્વારા 1,02,316 ઘરોમાં પોરાનાશક કામગીરી અને ફિલ્ડ વર્કરો દ્વારા 6242 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત મચ્છર ઉત્પતી સબબ બાંધકામ સાઇટ, સ્કુલ, હોસ્પીટલ, હોટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સરકારી કચેરી સહીત 335 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી અને નોટીસ આપી રૂા.30100નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

મેટોડામાં તાવથી 13 વર્ષીય તરુણનું મોત
કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસીમાં રહેતો શિવમ રામપાલ કઢેરીયા (ઉ.13) નામનો તરૂણ પોતાના ઘરે બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેનું મોત નીપજયું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક શિવમ ચાર ભાઇ બે બહેનમાં વચેટ અને તેના પિતા કારખાનામાં કામ કરે છે. શિવમને ચારેક દિવસથી તાવ આવતો હોવાથી દવા ચાલુ હતી. દરમિયાન આજે બેભાન થઇ જતા તાવથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version