જેટકોમાં વધતા કાર્યબોજ અને સ્ટાફની અછત સામે ઇજનેરો આંદોલનનાં માર્ગે

જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન)માં વધતા કાર્યબોજ અને કર્મચારીઓની અછતના મુદ્દે ગુજરાતભરના ઇજનેરોમાં અસંતોષ વધી રહ્યો છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશને જેટકો મેનેજમેન્ટની વર્તમાન…

જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન)માં વધતા કાર્યબોજ અને કર્મચારીઓની અછતના મુદ્દે ગુજરાતભરના ઇજનેરોમાં અસંતોષ વધી રહ્યો છે. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશને જેટકો મેનેજમેન્ટની વર્તમાન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અને વધતા કામના ભારણને કારણે કાર્યરત ઇજનેરો પર વધારાનું દબાણ ઊભું થઈ રહ્યું છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષ દરમિયાન આશરે 100 નવી સબસ્ટેશનની કામગીરી શરૂૂ થઈ હોવા છતાં નવા કર્મચારીઓની પૂરતી ભરતી કરવામાં આવી નથી. પરિણામે હાલના ઇજનેરો પર કાર્યબોજ સતત વધી રહ્યો છે. આ પરિસ્થિતિને પગલે ઇજનેરોની સમસ્યાઓના ઉકેલ અને યોગ્ય વ્યવસ્થાની માંગ સાથે એસોસિએશને આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

એસોસિએશન દ્વારા જેટકો મેનેજમેન્ટ સમક્ષ મુખ્યત્વે ત્રણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા મંજૂર મહેકમ મુજબ મંજૂર થયેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે. નવા ઇજનેરોની ભરતી તાત્કાલિક હાથ ધરી સ્ટાફની અછત દૂર કરવામાં આવે. ઇજનેરો પર વધી રહેલા કામના ભારણને ધ્યાનમાં રાખીને તેમના નાણાકીય લાભ સહિતના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઇ છે.

એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 30 ઓક્ટોબર, 2026ના રોજ ઇજનેરો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે અને મેનેજમેન્ટની નીતિઓ સામે વિરોધ નોંધાવશે. ત્યારબાદ 1 નવેમ્બર, 2026થી વર્ક-ટુ-રૂૂલ મુજબ કામગીરી કરીને વધારાના કાર્યભાર સામે વિરોધ વ્યક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી કાર્યક્રમો દ્વારા ઇજનેરોની સમસ્યાઓ તરફ મેનેજમેન્ટનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવશે. એસોસિએશનનું કહેવું છે કે ઇજનેરોની માંગણીઓનો સમયસર ઉકેલ આવે અને વધતા કાર્યબોજ સામે યોગ્ય વ્યવસ્થા ઊભી થાય તે જરૂરી છે.