ઉમેદવારો-નેતાઓ માટે ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ, રાત-દિવસ દોડી પરસેવો પાડયો પણ મતદારોનું અકળ મૌન
ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ પ્રચારના માત્ર 9 દિવસ જ મળ્યા, આંતરિક ભડકા ઠારવામાં પણ સમય વેડફાયો, હવે મતદારો ઉપર મદાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીના જાહેર પ્રચાર પડઘમ આજથી શાંત થયા છે પરંતુ વિધાનસભા અને લોકસભા પછી બીજા નંબરની સૌથી મોટી ગણાતી આ ચુંટણીમાં પ્રચાર જામે તે પહેલા જ પ્રચાર પુરો થઇ ગયો છે. અસહ્ય ગરમી અને આકરા તાપ વચ્ચે ઉમેદવારોએ ભારે દોડધામ કરી પરસેવો પાડયો છે. પરંતુ મતદારોમાં હજુ જોઇએ તેવો ઉત્સાહ ઉમંગ દેખાતો નથી.
આ ઉપરાંત આ ચુંટણીમાં સતાધારી પક્ષ ભાજપમાં પણ ભારે આંતરીક અસંતોષ અને નારાજગી હોવાથી કાર્યકરો જોમજુસ્સા સાથે ચૂંટણીનું કામ કરતા દેખાતા નથી, જયારે કોંગ્રેસમાં પણ કોઇ ઉત્સાહ દેખાતો નથી તો આમ આદમી પાર્ટીમધં સંગઠનની કમી સ્પષ્ટ દેખાઇ રહી છે. આમ છતા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે મતદારો કોને વિજય વરમાળા પહેરાવે છે તે તરફ સૌની મીટ મંડાયેલી છે.
આ ચુંટણીમાં તા.11 એપ્રિલે ફોર્મ ભરવાની મુદત પુરી થયા બાદ તા.15 એપ્રિલે ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું હતું ત્યારબાદ રાજકીય પાર્ટીઓને પ્રચાર માટે તા.16થી આજ તા.24 એટલે કે, માત્ર 9 દિવસ મળ્યા છે પરિણામે ઉમેદવારોને ચુંટણી પ્રચારના ખુબ ઓછા દિવસો મળ્યા હોવાથી ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ જોવા મળી હતી.
આટલું ઓછું હોય તેમ કાર્યકરોની આંતરીક નારાજગી થાળે પાડવામાં પણ નેતાઓ અને ઉમેદવારોનો ઘણો સમય બગડયો છે જેના કારણે પ્રચાર માટે પુરતો સમય મળ્યો નથી. હવે આવતીકાલથી ઉમેદવારો તથા નેતાઓ મતદાન મથકો ઉપર એજન્ટો ગોઠવવા સહીતની વ્યવસ્થામાં વ્યસ્ત થઇ જશે જેના કારણે હવે મતદારો ઉપર જ બધો મદાર છે.
આ વખતે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ સામે આમઆદમી પાર્ટીએ પણ 70 ટકાથી વધુ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખીને ત્રિપાંખીયો જંગ છેડયો છે. સામાન્ય રીતે ત્રિપાંખીયા જંગમાં મતદારોનો ઉત્સાહ વધતો હોય છે પરંતુ ગુજરાતમાં કયાંય મતદારોનો જોઇએ તેવો ઉત્સાહ દેખાયો નથી. માત્ર રાજકીય પક્ષોના અને ઉમેદવારોના કાર્યાલયોએ સાંજથી મોડી રાત સુધી ખાણી-પીણીના તાવડાઓ સિવાય કયાંય પ્રચારમાં પણ ગરમાવો દેખાયો નથી તેથી ઉમેદવારો અકળાયા છે. હવે ચુંટણીમાં શું પરિણામો આવે છે તે જોવાનું રહ્યું. આ વર્ષે ચુંટણી સમયે જ આકરી ગરમી પણ પડી રહે છે અને મતદાનના દિવસે જ હિટવેવની આગાહી છે તેથી મતદારોને ઘર બહાર કાઢવા એ પણ મોટો પડકાર છે.
પાંચ રાજ્યોની ચૂંટણીના કારણે રાષ્ટ્રીય નેતાઓ પણ દેખાયા નહીં
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી છે અને 4.19 કરોડ જેટલા મતદારો હોવા છતાં ભાજપ-કોંગ્રેસના કોઇ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી. ભાજપ દરેક ચુંટણીઓમાં રાષ્ટ્રીય નેતાઓની ફોજ ઉતારતુ હોય છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમીત શાહ પણ સભાઓ સંબોધતા હોય છે. જયારે કોંગ્રેસમાંથી પણ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા નેતાઓ આવતા હોય છે. પરંતુ આ વખતે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરલા, પોંડીચેરીની વિધાનસભાની ચૂંટણી પણ સાથે જ હોવાથી રાષ્ટ્રીય નેતાઓએ તેમાં ધ્યાન આપ્યુ છે અને ગુજરાતમાં ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયા બાદ કોઇ રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં આવ્યા નથી.
