Site icon Gujarat Mirror

લોધિકાના મેટોડામાં છોટાહાથીની ઠોકરે રિક્ષા સવાર પ્રૌઢાનું પતિની નજર સામે જ મોત

શાકભાજીના ધંધાર્થી દંપતી ફેરી કરી ઘરે પરત ફરતું હતું ત્યારે નડ્યો જીવલેણ અકસ્માત; આધેડ સારવારમાં

લોધિકાના મેટાડામાં રહેતું દંપતિ શાકભાજીની ફેરી કરી રીક્ષા લઈ ઘરે પરત ફરી રહી હતી ત્યારે છોટાહાથીના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રીક્ષા સ્વાર પ્રૌઢાનું પતિની નજર સામે જ મોત નિપજ્યું હતું. જ્યારે આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુુજબ, મેટોડામાં આવેલા નિલકમલ પાર્કમાં રહેતાં પ્રમોદભાઈ સતનારાયણભાઈ ચૌધરી (ઉ.50) અને તેમના પત્ની ગંગાદેવી પ્રમોદભાઈ ચૌધરી (ઉ.45) રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં સીએનજી રીક્ષા લઈને મેટોડામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે છોટાહાથીના ચાલકે રીક્ષાને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતિને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર રીતે ઘવાયેલી ગંગાદેવીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક ગંગાદેવી અને ઈજાગ્રસ્ત તેમના પત્ની પ્રમોદભાઈ ચૌધરી મુળ બિહારના વતની છે અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. દંપતિ શાકભાજીની ફેરી કરી પરત ફરતું હતું ત્યારે જીવલેણ અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version