ગીર પંથકમાં સિંહને પજવણી કરનારા આઠ શખ્સો ઝડપાયા

તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર…

તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવણી કરતા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના અનેક વીડિયો વાયરલ થયા બાદ ગીર (પૂર્વ) વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સઘન તપાસના અંતે વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના કુલ 8 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓએ છેલ્લા 15થી 20 દિવસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વિશેષ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસના સહયોગથી વેરાવળ શહેરમાંથી તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂૂકનાઝ હુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીન મહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વેરાવળ તથા પ્રભાસ પાટણ વિસ્તારના રહેવાસી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.

તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા વિવિધ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ સામે આવ્યા છે. આ તમામ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ કાયદાની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગે જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર સિંહ અથવા અન્ય વન્યપ્રાણીઓને હેરાન કરતા, પજવણી કરતા કે પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ દર્શાવતા વીડિયો જોવા મળે તો તેને શેર કે વાયરલ કરવાને બદલે તાત્કાલિક નજીકના વન વિભાગને જાણ કરવી. આવા વીડિયો વાયરલ કરવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે.