નશા મુકત ગુજરાત: 2153 કરોડના માદક દ્રવ્યો ભસ્મિભૂત

નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં 13249 કિલો ડ્રગ્સ અને 5.71 લાખ બોટલો ભઠ્ઠીમાં ઓગાળી નાખ્યા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 278 પોલીસ જવાનોને રૂા. 59.42 લાખના પુરસ્કાર આપી સન્માનિત…

નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં 13249 કિલો ડ્રગ્સ અને 5.71 લાખ બોટલો ભઠ્ઠીમાં ઓગાળી નાખ્યા

ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 278 પોલીસ જવાનોને રૂા. 59.42 લાખના પુરસ્કાર આપી સન્માનિત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશા-મુક્ત ગુજરાતના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂૂચના દહેજ ખાતે એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયાના આહ્વાન અને ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત વૈજ્ઞાનિક પદ્ધતિથી આ તમામ નાર્કોટિક્સ જથ્થાનો બિનહાનિકારક નાશ કરવામાં આવ્યો હતો. આ જ સ્થળેથી નાયબ મુખ્યમંત્રીએ લાકડીયા (ભચાઉ) ખાતે યોજાયેલા નાર્કોટિક્સ જથ્થાના નાશ કાર્યક્રમનો પણ ઓનલાઇન પ્રારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં રાજ્યના 24 એકમો દ્વારા કુલ 867 ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ રૂૂ.2153 કરોડની કિંમતનો નાર્કોટિક્સ જથ્થો (13,249.127 કિલોગ્રામ ડ્રગ્સ અને 5,71,028 બોટલો) નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ભરૂૂચ, નર્મદા, સુરત ગ્રામ્ય, સુરત શહેર, નવસારી, તાપી-વ્યારા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ડાંગ-આહવા, વલસાડ, વડોદરા ગ્રામ્ય, વડોદરા શહેર, આણંદ, ખેડા-નડિયાદ, પશ્ચિમ રેલવે (વડોદરા અને અમદાવાદ), અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિત સી.આઈ.ડી. ક્રાઇમ (CID Crime) અને એ.ટી.એસ. (ATS) ની ટીમની કામગીરી આવરી લેવાઈ હતી.

ત્યારબાદ GACL કંપની (દહેજ) ખાતે એન.ડી.પી.એસ. (NDPS) હેન્ડબુકના વિમોચનનો આયોજિત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલી આ હેન્ડબુકનો મુખ્ય હેતુ તપાસ અધિકારીઓને સુદ્રઢ માર્ગદર્શન પૂરું પાડવાનો અને કાયદાનું કડક અમલીકરણ કરવાનો છે. આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ડ્રગ મુક્ત ગુજરાત જાગૃતિ વીડિયો અને વ્યસનમુક્ત થયેલા પીડિતોના પ્રતિભાવો દર્શાવતી લઘુફિલ્મ તથા વિશેષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસના માનવીય અભિગમની પ્રશંસા કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડ્રગ્સ વેચનારાઓ પકડાય ત્યારે તેમની પાસેથી મળતી માહિતીના આધારે આ દૂષણમાં ફસાયેલા યુવાનો અને તેમના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી તેમને સાચી દિશા આપવાનું સરાહનીય કાર્ય પણ પોલીસ કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો અને સામાજિક સંસ્થાઓને અપીલ કરતા કહ્યું કે, પોલીસની કડક કાર્યવાહીની સાથે સાથે જ્યારે સમગ્ર સમાજ અને નાગરિકો આ લડતમાં જોડાશે, ત્યારે જ ડ્રગ્સ મુક્ત ગુજરાતનો સંકલ્પ સંપૂર્ણપણે સાકાર થશે. રાજ્ય સરકારની ડ્રગ્સ રિવોર્ડ પોલિસી’ હેઠળ, જુદા જુદા 21 મોટા કેસોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 278 પોલીસ જવાનોને ₹59.42 લાખની ઇનામી રકમ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્યો સર્વ અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, રીતેશ વસાવા, ડી.કે.સ્વામી, રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિક, CID ક્રાઇમના ડો.કે.એલ.રાવ, વડોદરા રેન્જ IG સંદીપ સિંહ, CID ક્રાઇમના IGP ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે, DDO યોગેશ કાપસે સહિત પોલીસ વિભાગ, વહીવટી તંત્ર અને GACL કંપનીના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.