ગુજરાત
વેરાવળના પીપળવા પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
ગીર સોમનાથના વેરાવળમાં રહેતો યુવાન બાઈક લઈને પીપળવા અને માલગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે યુવાને ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. જે બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવકે સારવારમાં દમ દોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વેરાવળમાં રહેતા હિરેન કચરાભાઈ ગોહેલ નામનો 30 વર્ષનો યુવાન તા.23 ના રોજ બાઈક લઈને પીપળવા ગામ અને માલગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હિરેન ગોહેલે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે કોડીનાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન છ બહેનોનો એકનો એક ભાઈ હતો અને અપરિણીત હતો. હિરેન ગોહેલ કલર કામ માટે સાઈટ પર જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.