ગુજરાત

ભાવનગરમાં DRIનો મકાનમાં દરોડો: સિગારેટના ત્રણ હજાર કાર્ટૂન મળી આવ્યા

Published

on

વિદેશી સિગારેટ અંગેનું કનેકશન અન્ય શહેરોમાં ખૂલે તેવી શકયતા: અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસના માધ્યમથી મિસ ડિકલેરેશન વડે મોટું પાર્સલ મગાવ્યું’તું

ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા ભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી અને આયાતી કસ્ટમ્સ ડ્યૂટી ભર્યા વિનાનો પ્રતિબંધિત સિગારેટના મોટા જથ્થા સાથે એક શખ્સની અટક કરવામાં આવી છે.


અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસના માધ્યમથી મિસ ડિકલેરેશન વડે મોટુ પાર્સલ મંગાવવામાં આવ્યુ હતુ. આ પાર્સલ અંગે તંત્રને શંકા જતા ગુપ્તચર શાખાઓના કાન ચમક્યા હતા. ડીઆરઆઇની ટુકડીઓએ ભાવનગરના કુંભારવાડા, શિશુવિહાર સહિતના વિસ્તારોમાં બુધવારે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. તેમાંથી તેઓને શિશુવિહારના મરિના ફ્લેટમાં સફળતા હાથ લાગી હતી.


મરિના ફ્લેટમાં રહેતા સમીર મેમણ નામના શખ્સના કબજામાંથી 3000 કાર્ટુન વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો છે, અને તેની અંદાજીત કિંમત 50 લાખથી વધુ હોવાનું પ્રાથમિક રીતે સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છે. સમીર મેમણના રહેણાંકના સ્થળે 5 કલાક સુધી ડીઆરઆઇની ટુકડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ અને બાદમાં સમીરની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.


સમીર મેમણે સિગારેટનો મોટો જથ્થો ક્યાંથી મંગાવ્યો?, કોને આપવાનો હતો? ભાવનગરમાં સમીરની સાથે કોણ કોણ અન્ય સામેલ છે? વિદેશી સિગારેટના ધંધામાં ભાવનગર ઉપરાંત અન્ય તાલુકામાં કોઇ નેટવર્ક છે કે કેમ? કેટલા સમયથી સમીર આ ગેરકાનુની ધંધામાં સામેલ છે? આવી તમામ બાબતો અંગે સતત પુછપરછ કરવામાં આવી રહી છે.


સંભવત: સમીર મેમણના વિદેશી સિગારેટ અંગેનું કનેકશન રાજ્યના અન્ય શહેરોમાં પણ ખુલે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારથી જ ડીઆરઆઇથી ટુકડીના સર્ચ ઓપરેશન અંગે શહેરમાં જુદા જુદા પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version