Site icon Gujarat Mirror

હજુ સાત દિવસ દેશના હવામાનમાં નાટયાત્મક પલટા ચાલુ રહેવાના છે

જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો જરા હવામાન વિભાગની આ ચેતવણી પર નજર કરી લેજો. દેશમાં હાલ એકસાથે ઘણી બધી હવામાન સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણ (ઈુભહજ્ઞક્ષશભ ઈશભિીહફશિંજ્ઞક્ષ) સક્રિય થયા છે. આ સિસ્ટમ્સની અસરને કારણે દેશના અનેક રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી ક્યાંક ભારે વરસાદ, તો ક્યાંક ગાજવીજ સાથે વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારતમાં પવન ફૂંકાશે, તો પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડશે, જ્યારે ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચે જશે. આ ખરાબ હવામાનને લઈને ઘણી જગ્યાએ હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ બધી સિસ્ટમની સૌથી વધુ અસર આપણા પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળશે. 12 થી 15 એપ્રિલ સુધી આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડશે અને સાથે 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે તોફાની પવન ફૂંકાશે. 12 થી 14 એપ્રિલ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં 13 થી 16 એપ્રિલ સુધી આકાશમાંથી વીજળી પડવાનું જોખમ રહેલું છે અને ત્યારબાદ 17 અને 18 એપ્રિલે ત્યાં તેમજ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે 12 એપ્રિલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારે વરસાદ અને પવનની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં પણ આવનારા ઘણા દિવસો સુધી હળવો વરસાદ અને વાવાઝોડું ચાલુ રહેશે.

ઉત્તર ભારતની વાત કરીએ તો, 12 થી 14 એપ્રિલ વચ્ચે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 20 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં પણ આગામી થોડા દિવસો માટે વરસાદ પડવાની અને વીજળી ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે.

એક તરફ વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં ગરમી પણ પોતાનો પ્રકોપ બતાવશે. ઉત્તર-પશ્ચિમ ભારતના વિસ્તારોમાં તાપમાનમાં 4 થી 6 ડિગ્રીનો સીધો વધારો થઈ શકે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ અને પૂર્વ ભારતના રાજ્યોમાં પણ ગરમીનો પારો સતત ઉપર જશે. આપણા ગુજરાત, મહારાષ્ટ્ર અને દેશના અન્ય ભાગોમાં પણ આવનારા દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાશે.

Exit mobile version