Site icon Gujarat Mirror

ભાજપને પોતાના જ નેતાઓ પર ભરોસો નૈ કે? કમલમ્ની બેઠકોમાં ‘મોબાઈલ’ પર પ્રતિબંધ

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પક્ષના નેતાઓ અને હોદ્દેદારો માટે એક અત્યંત કડક અને અભૂતપૂર્વ નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. હવે પછી પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’ ખાતે યોજાનારી કોઈપણ મહત્વપૂર્ણ બેઠકમાં નેતાઓ પોતાના મોબાઈલ ફોન અંદર લઈ જઈ શકશે નહીં. ભાજપ હાઈકમાન્ડ દ્વારા નવી બેઠકોના પ્રારંભની સાથે જ આ આકરો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેને પગલે રાજ્યના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના આંતરિક વર્તુળોમાં ભારે ગણગણાટ અને ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે.

નવા નિયમ અનુસાર, બેઠકમાં ભાગ લેવા આવતા તમામ ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓએ સૌપ્રથમ એન્ટ્રી ગેટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પક્ષ દ્વારા બનાવવામાં આવેલા ખાસ કાઉન્ટર પર પોતાનો મોબાઈલ ફોન જમા કરાવવાનો રહેશે. ફોન સત્તાવાર રીતે જમા કરાવ્યા બાદ જ નેતાઓને બેઠક હોલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

બેઠક દરમિયાન નેતાઓના ફોન આ રીતે બહાર જ જમા કરાવી લેવાતા વરિષ્ઠ નેતાઓમાં પણ આશ્ચર્ય સાથે ખાનગીમાં રોષ જોવા મળ્યો હતો. રાજકીય વિશ્ર્લેષકોના મતે, ભાજપના આ ચોંકાવનારા નિર્ણય પાછળ બેઠકોની ગુપ્ત વિગતો કે ઓડિયો-વીડિયો લીક થવાનો ભય હોઈ શકે છે. પક્ષમાં શિસ્ત જાળવી રાખવા અને બેઠકની ચર્ચાઓ બહાર ન જાય તે માટે આ આકરો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, વિપક્ષ અને રાજકીય ગલિયારાઓમાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે શું ભાજપને હવે પોતાના જ નેતાઓ પર ભરોસો નથી રહ્યો? પક્ષની અંદર વધી રહેલી અશિસ્ત કે પછી અવિશ્વાસના વાતાવરણને કારણે આ કડક આદેશ છૂટ્યો છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

Exit mobile version