ગુજરાત
મોટાવડાની શાળામાં તાત્કાલિક બે શિક્ષકો ફાળવતા જિલ્લા શિક્ષણાધિકારી
સત્રાંત અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી ફરજ સોંપાઇ
લોધીકાના મોટાવડા ગામે વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં આચાર્ય સહીત ત્રણ શિક્ષકો વિરૂધ્ધ ગુનો નોંધાતા હાલ શાળામાં ફરજ પર નહીં આવતા કુલ ચારમાંથી એક જ શિક્ષક ફરજ બઝાવી રહ્યા હોય બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે ધોરણ 11 અને 12ના અંદાજે 176 વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તાત્કાલીક બે શિક્ષકોને ત્યાં ફાળવવામાં આવ્યા છે.
હાલ શાળાઓમાં સત્રાંત પરીક્ષા ચાલી રહી છે જે હજુ આગામી 24 ઓક્ટોબર સુધી ચલાવાની છે. એકબાજુ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે જ મોટાવડામાં વિદ્યાર્થીની આપઘાતની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ શોકનો માહોલ છવાયો છે અને આ ઘટના વિદ્યાર્થીઓની પરીક્ષાને પણ માઠી અસર કરે તેવી પણ સંભાવના પ્રવર્તી રહી છે. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, પોલીસ તપાસ થઈ રહી છે ત્યારે શિક્ષણ તંત્ર પોલીસની સાથે છે.
મોટાવડા સ્કૂલમાં શિક્ષકો તેમજ વિદ્યાર્થીના મિત્રના નિવેદન લેવામાં આવ્યા છે. ફોજદારી તપાસમાં શિક્ષકો ગુનેગાર ઠરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ શાળામાં શિક્ષણની કામગીરી અટકે નહીં તેના માટે વધુ બે શિક્ષકો મુકાયા છે.
મોટાવડાની સરકારી શાળાના વિદ્યાર્થી ધ્રૂવિલ વરૂૂએ કરેલા આપઘાતના મામલામાં પોલીસે શાળાના શિક્ષિકાઓ મોસમી મેડમ, વિભુતિ મેડમ અને સચિન સર સામે આપઘાતની ફરજ પાડવાનો રવિવારે રાત્રે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતાં જ મેટોડા પોલીસ હરકતમાં આવી હતી અને ત્રણેય શિક્ષકોને ઝડપી લેવા દરોડા પાડ્યા હતા. પરંતુ ત્રણેય હાથ આવ્યા ન હતા અને તેમના મોબાઇલ સ્વિચઓફ થઇ ગયા હતા.