બંગાળમાં SIR સંબંધિત અપીલોના નિકાલમાં 12 વર્ષ લાગી શકે: ચૂંટણીપંચે વધુ ટ્રિબ્યુનલો માગી

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) હેઠળ પેન્ડિંગ રહેલી 37 લાખથી વધુ અપીલોના નિકાલમાં વર્તમાન ગતિએ લગભગ 12 વર્ષ લાગી શકે છે. આ…

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના ’સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) હેઠળ પેન્ડિંગ રહેલી 37 લાખથી વધુ અપીલોના નિકાલમાં વર્તમાન ગતિએ લગભગ 12 વર્ષ લાગી શકે છે. આ સ્થિતિને જોતા ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને આ કેસોની સુનાવણી કરતી ટ્રિબ્યુનલ્સની સંખ્યા વધારવા વિનંતી કરી છે. હાલમાં આ મામલે 19 ટ્રિબ્યુનલ કાર્યરત છે જેનુુ નેતૃત્વ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશો કરી રહ્યા છે.

એક સોગંદનામામાં, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે એપ્રિલના મધ્યમાં સુનાવણી શરૂૂ થયા બાદથી ટ્રિબ્યુનલ્સે 1,26,194 અપીલોનો નિકાલ કર્યો છે. અહેવાલ મુજબ, જો અઠવાડિયાના તમામ સાત દિવસોને કામના દિવસો ગણવામાં આવે, તો આ સરેરાશ દર મહિને 25,238 કેસોના નિકાલ બરાબર થાય છે.
16 સપ્ટેમ્બરના રોજ, જ્યારે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું, ત્યારે 37,05,235 અપીલો પેન્ડિંગ હતી. જો ટ્રિબ્યુનલ્સ વર્તમાન ગતિએ અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવાનું ચાલુ રાખે, તો બાકી રહેલા તમામ કેસોનો નિકાલ કરવામાં 146 મહિના એટલે કે 12 વર્ષથી વધુ સમય લાગશે.

તેથી, પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પંચે સુપ્રીમ કોર્ટને વધુ ટ્રિબ્યુનલ્સની રચના કરવા કહ્યું છે. પંચે પશ્ચિમ બંગાળના 42 સંસદીય મતવિસ્તારોમાંથી દરેક માટે એક ટ્રિબ્યુનલ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે મતદાર યાદીના SIR સંબંધિત આદેશો સામે 38.31 લાખ અપીલો દાખલ કરવામાં આવી છે. તેમાંથી 22.21 લાખ અપીલો એવા લોકો દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમનાં નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને જેઓ ફરીથી નામનો સમાવેશ કરાવવા માંગે છે, જ્યારે 16.10 લાખ અપીલોમાં નામોના સમાવેશને પડકારવામાં આવ્યો છે. 1 લાખથી વધુ નામો ફરીથી ઉમેરવામાં આવ્યા
ચૂંટણી પંચ (EC) ના જણાવ્યા અનુસાર, ટ્રિબ્યુનલો દ્વારા નિર્ણય લેવાયેલી 1,26,194 અપીલોમાંથી 1,13,943 કિસ્સામાં અરજદારોના નામ ફરીથી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા. આનો અર્થ એ છે કે અત્યાર સુધીમાં નિર્ણય લેવાયેલી 90 ટકાથી વધુ અપીલોમાં નામો પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે.

પંચના સોગંદનામામાં એ દાવાઓને પણ નકારવામાં આવ્યા છે કે SIR (સ્પેશિયલ રિવિઝન એક્સરસાઇઝ) સંબંધિત નામો દૂર કરવાની પ્રક્રિયાએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોને અસર કરી હતી.