ગુજરાત
કેશોદ પંથકમાં આફતનો વરસાદ પડતા ખેતરમાં તૈયાર પાકને ભારે નુક્સાન
મગફળીમાં કોટા ફૂટતા ખેડૂતોની માઠી દશા
કેશોદ પંથકમાં ખેતરોમાં મગફળીના તૈયાર પાક પર આફત વરસતાં ખેડુતોની માઠી બેઠી છે ત્યારે ખેડૂતોની મગફળી જે જમીનમાંથી બહાર કાઢવામાં આવી છે એવા ખેડૂતોને મગફળીના પાથરા પલળી જતાં ફુગાઈ ગયેલ છે તો અમુક વિસ્તારમાં તણાઈ ગયેલ છે; ઉપરાંત મગફળીના દાણામાંથી કોટા ફુટી જતાં ગુણવત્તા ઘટી ગઈ છે જે માત્ર સીંગતેલમાં પીલાણમાં વેચાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
કેશોદના આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે. ખેતરોમાં મગફળી કાઢી લીધાં બાદ વરસાદ આવતાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જમીનમાં રહેલી મગફળી કાઢવા ટ્રેકટર કે અન્ય વાહનો ઉપયોગ થઈ શકે એમ નથી ત્યારે બળદો મારફતે ખેતીકામ જુજ ખેડૂતો કરી રહ્યાં છે એવામાં જમીનમાં રહેલી ઘણીખરી મગફળી સડી જવાની સંભાવના વધી રહી છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસના વાહન સાથે વાયુમંડળમાં ન ધાર્યું નુકસાન કરી રહેલ છે દરિયા કિનારે ગ્લોબલ વોર્મિંગ બાદ વાતાવરણમાં અને ઋતુ ચક્રમાં થયેલા ફેરફારથી જે નુકસાન ઉભું થયું છે
એમાં સર્ટિફાઈડ સુધરેલા બિયારણોથી વાવેતર કરી ઝડપી અને વધુ ઉત્પાદન મેળવવા કરેલા અખતરાઓ પડ્યા પર પાટું બરાબર સાબિત થયું છે. કેશોદના અજાબ અગતરાય મેસવાણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર વધારે જોવા મળી છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબળી નદી અને ઓઝત નદીમાં પાણીની આવક વધી જતાં પુર આવી ગયેલ છે.
કેશોદ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં પરપ્રાંતીય શ્રમિકો ખેતમજુરીનું કામ નહિવત હોય પરત વતન તરફ ફરી રહ્યાં છે ત્યારે ખાનગી બસ ચાલકને ઘી કેળાં છે તંત્રની મીઠી નજર તળે ઘેટાં બકરાંની જેમ ઠાંસોઠાંસ ભરીને ગરીબ શ્રમજીવીઓનું શોષણ કરી રહ્યાં છે. છેલ્લા પંદરેક દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી મગફળી સોયાબીન તલના પાકની પારાવાર નુકસાનીનો ભોગ બનેલાં ખેડૂતો ઉપર આકાશમાં નજર કરી હવે ખમૈયા કરોની પ્રાર્થના કરી રહ્યાં છે.