ગોંડલના સડક-પીપળિયામાં રીબડાના ધુ્રવરાજસિંહનું ફાયરિંગ

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારામારી અને હવામાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી…

ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં ગત તારીખ 3 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા દસથી પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારામારી અને હવામાં ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ બનાવની વિગતો તપાસતા સામે આવ્યું છે કે, સડક-પીપળીયા ગામની સીમમાં આવેલી રીબડાના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની માલિકીની ખેતીની જમીનમાં ફરિયાદી પક્ષના પશુઓ એટલે કે બકરાં ઘૂસી ગયા હતા. છુટા મુકી દેવાયેલા આ પશુઓએ ખેતરના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાકના નુકસાનીના આ મુદ્દે ઉશ્કેરાઈ જઈને આરોપી ધ્રુવરાજસિંહ જાડેજાએ પોતાના ત્યાં કામ કરતા અન્ય પાંચ માણસોને સાથે રાખીને હિંસક હુમલો કર્યો હતો.

આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો સાથે ફરિયાદીના રહેણાંક સ્થળ પર ધસી જઈ આતંક મચાવ્યો હતો. આરોપીઓએ સાહેદો પર લાકડીઓ તેમજ લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આટલું જ નહીં, વાતાવરણમાં દહેશત ફેલાવવા માટે આરોપીઓએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરિયાદી તેમજ સાહેદોને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. આ ગંભીર ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ-109(1), 115(2), 117(2), 332(બી), 333, 189(2), 189(4), 191(2), 191(3), 190, 351(3), 352, 3(5) તેમજ આર્મ્સ એક્ટ કલમ-25(1-બી)(એ), 27 અને જી.પી. એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધી કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. હસ્તગત કરવામાં આવેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વરજર ગામના વતની કરણ સુનિયા બામણીયા, કોટડા સાંગાણીના શાપર-વેરાવળ સ્થિત સર્વોદય સોસાયટીના રહેવાસી અરમાન મયુદ્દીન હોથી, જૂનાગઢના ભેસાણ તાલુકાના હડમતીયા ગામના સમીર કાસમ વિસળ અને દેત્રોજ તાલુકાના ગુંજાલા ગામના સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગુંજાલા બહુચરાજીના એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પણ હસ્તગત કરવામાં આવ્યો છે. જોકે, બનાવનો મુખ્ય આરોપી રીબડાનો ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હાલ પકડવાનો બાકી હોય, પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી સમીર કાસમ વિસળ વિરુદ્ધ અગાઉ જૂનાગઢમાં જુગારધારા હેઠળ એક કેસ નોંધાયેલો છે, જ્યારે અન્ય કોઈ આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.