ધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર

  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ચુંટણીનો ધમધમાટ શરૂૂ થયો છે. ઉમેદવારો ટીકીટ માટે ચોકઠાં ગોઠવી રહ્યાં છે. ત્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગર પાલિકામાં…

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ચુંટણીનો ધમધમાટ શરૂૂ થયો છે. ઉમેદવારો ટીકીટ માટે ચોકઠાં ગોઠવી રહ્યાં છે. ત્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગર પાલિકામાં પણ ચુંટણીને લઈને ઉમેદવારો મેદાને આવ્યાં છે. ગઈ કાલે ધ્રોલ ભાજપ કાર્યાલય ખાતે 90 થી પણ વધુ ઉમેદવારી ફોર્મ ઉપડતાં રાજકારણ ગરમાયું છે.

ધ્રોલ નગર પાલિકા ગત ટર્મમાં ભાજપ શાસિત પાલિકા હતી. ગત ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવી હતી. ત્યારે આ વર્ષે કોંગ્રેસમાથી ભાજપમાં આવેલ ઉમેદવારોએ ફોર્મ ઉપાડતાં ચર્ચાએ જોર પકડયું છે. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન ધ્રોલ નગર પાલિકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ચૂંટાયેલ સદસ્ય સહિત અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ ઉમેદવારોએ દાવેદારી માટેનું ફોર્મ ઉપાડતાં ભાજપના પૂર્વ સદસ્ય અને કાર્યકર્તામાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાવાના એંધાણ જણાય રહ્યા છે. ત્યારે રાત્રિના મીટીંગનો દોર પણ શરુ થયો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરો ટિકિટ માટે એડીચોટી જોર લગાવી રહ્યા છે. ત્યારે કોને મળશે ટીકીટ અને કોની ટીકીટ કાપશે તે જોવું રહ્યુ?