મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટર બન્યો એ પહેલાં રેલવેમાં ટિકિટચેકરની નોકરી તો કરતો જ હતો, પણ માત્ર રમતની વાત કરીએ તો સ્કૂલના દિવસોમાં તે ફૂટબોલનો ગોલકીપર હતો અને ત્યારથી તે રાંચીના ખેલકૂદપ્રેમીઓના દિલમાં વસેલો છે, પરંતુ એનાથી વિશેષ વાત એ છે કે રાંચીથી જમશેદપુર જતાં હાઇવે પર એક જાણીતો ધાબા છે જેના માલિકના સૌથી મોંઘેરા મહેમાનોમાં ધોનીનું સ્થાન સર્વોચ્ચ સ્થાને છે.
ખુદ ધોની કરોડોપતિ બન્યો હોવા છતાં અને દુનિયાભરમાં વિખ્યાત થયો હોવા છતાં સમય મળે ત્યારે મિત્રો સાથે આ રોડસાઇડ ધાબા પર જવાનું ચૂકતો નથી. ત્યાં તેના માટે બેકયાર્ડમાં શિવજીની મૂર્તિ નજીક ખાસ ટેબલ ગોઠવવામાં આવે છે અને ધોનીને તેની ફેવરિટ વાનગી પીરસવામાં આવે છે. બોનલેસ ચિલી ચિકન, બટર નાન અને મેન્ગો ડ્રિન્ક ધોની આ ધાબા પર અચૂક માણે છે.
ધાબાના સિલેક્ટેડ વેઇટર અને હેલ્પરને જ ધોનીના ટેબલ નજીક જવાની છૂટ હોય છે. એક વખત ધોનીએ ખુશ થઈને વેઇટર અને તેના સાથીઓ માટે કુલ 6,000 રૂૂપિયાની ટિપ આપી હતી. ધાબાના માલિક સંજય મુખરજીના પરિવારને કાર ભેટ આપી છે. માહીએ તેમને મારુતિ સ્વિફ્ટ બક્ષિસમાં આપી ત્યારે કોઈ જ ફોટો નહોતો પાડવામાં આવ્યો.
