ધારની ભોજશાળા મંદિર જાહેર, હિન્દુઓ માટે નવી દિશા ખુલી

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઈન્દોર બેન્ચે ઘારમાં આવેલી ભોજશાળાના મંદિરને મા વાગ્યેવી એટલે કે મા દેવી સરસ્વતીના મંદિર તરીકે સ્વીકાર્યું એ સાથે જ ધર્મસ્થાનોનો મુદ્દો ફરી…

મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઈન્દોર બેન્ચે ઘારમાં આવેલી ભોજશાળાના મંદિરને મા વાગ્યેવી એટલે કે મા દેવી સરસ્વતીના મંદિર તરીકે સ્વીકાર્યું એ સાથે જ ધર્મસ્થાનોનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભોજશાળા બહુ મોટું સંકુલ છે અને તેમાં આવેલા મા સરસ્વતીના મંદિરને તોડીને કમાલ મૌલા મસ્જિદ બનાવાઈ હોવાના દાવાને પગલે હાઈ કોર્ટે 2024માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ને સમગ્ર ભોજશાળાનો સર્વે કરવા આદેશ આપ્યો હતો. આ સર્વેમાં મસ્જિદનું નિર્માણ મંદિર તોડીને કરાયું હોવાના પુરાવા મળતાં હાઈ કોર્ટે ભોજશાળાને મા સરસ્વતી દેવીનું મંદિર હોવાનું જાહેર કરીને હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો છે. હિંદુઓને અધિકાર મળ્યો પછી શનિવારથી જ ભોજશાળામાં દર્શન અને પૂજા-અર્ચના શરૂૂ થઈ ગયાં હિંદુઓ જેને મા સરસ્વતીનું મંદિર માને છે તેને મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ માને છે અને આ મસ્જિદમાં નમાઝ પણ પઢાતી હતી. હાઈ કોર્ટના આદેશથી હિંદુઓ ખુશ છે જ્યારે મુસ્લિમો નારાજ છે તેથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે એ નક્કી છે.

મુસ્લિમોની દલીલ છે કે, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, 1991 હેઠળ કોઈ પણ ધર્મસ્થાનની સ્થિતિ 15 ઓગસ્ટ, 1947ની સ્થિતીએ જાળવી રાખવી જરૂૂરી છે. આ કાયદો ધારની ભોજશાળાને પણ લાગુ પડે છે તેથી ભોજશાળામાં હિંદુઓને પૂજાની મંજૂરી ના મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો જશે એ માટે બીજું પણ કારણ છે. ભોજશાળાના મંદિરનો વિવાદ હિંદુ અને મુસ્લિમ એ બે ધર્મના પક્ષકારો વચ્ચેનો જ નથી પણ જૈનો પણ તેમાં પક્ષકાર છે. જૈન સમાજ આ મંદિરને મા અંબિકાનું મંદિર ગણાવે છે. જૈનોનું કહેવું છે કે, હિંદુઓ જે પ્રતિમાને મા વાદેવીની ગણાવે છે એ વાસ્તવમાં જૈનોનાં આરાધ્ય મા અંબિકાની છે. સિહોરમાં મા અંબિકાના મંદિરની પ્રતિમા ભોજશાળામાં મળેલી પ્રતિમા જેવી જ હોવાથી ભોજશાળાને જૈન તીર્થ જાહેર કરવું જોઈએ. મા અંબિકા જૈનોના 24મા તીર્થંકર ભગવાન નેમિનાથનાં રક્ષક હતાં એવી જૈનોની માન્યતા છે.

જૈનો પણ ભોજશાળા પર પોતાનો અધિકાર બતાવે છે તેથી આ ચુકાદા સામે જૈનો પણ સુપ્રીમ કોર્ટમાં જશે જ. હાઈ કોર્ટનો ચુકાદો હિંદુઓ માટે બહુ મોટી જીત છે તેમાં શંકા નથી. આ દેશમાં મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હોય એવાં ઘણાં સ્થાનોને ઐતિહાસિક સંરક્ષિત ઈમારતો તરીકેનો દરજજો મળેલો છે. ઉદાહરણ તરીકે તાજમહાલને હિંદુઓ ધર્મસ્થાન ગણાવે છે પણ કાનૂની રીતે એ ધર્મસ્થાન નહીં પણ ઐતિહાસિક સંરક્ષિત ઈમારત છે. આર્કિ યોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના તાબા હેઠળની આવી ઘણી ઈમારતોને ધર્મસ્થાન ના ગણી શકાય તેથી તેમને નરસિંહરાવની સરકારે બનાવેલો વર્શિપ એક્ટ લાગુ ના પડે તેથી ત્યાં હિંદુઓનો અધિકાર માન્ય રખાય એવું બને.