ધાર્મિક
આજે ધનતેરસ: આયુર્વેદ ભગવાન ધન્વંતરિનો જન્મદિવસ ઉજવાશે
આસો વદ તેરસના પરમ પવિત્ર દિવસે આયુર્વેેદના ભગવાન ધનવંતરી દેવનું અમૃત કળશ સાથે પૃથ્વીલોક ઉપર અવતરણ થયેલ હતું.યુગાવતાર આ મહાન દેવતાનું તીર્થ સોમનાથ મહાદેવના મંદિરથી આશરે 35 કિલોમીટર દુર જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકાના મોટી ધણેજ ગામે મંદિર આવેલું છે. એક કથા મુજબ ધનવંતરી દેવે કાશી છોડયા બાદ માળીયા હાટીનાના મોટી ધણેજ ગામે આયુર્વેદના જ્ઞાનથી લોકોની સેવા સુશ્રુશા કરવા લાગેલ અને આ આશ્રમમાં તે સમયમાં અષ્ટાંગ આયુર્વેદનું જ્ઞાન આપી ગામે ગામ આરોગ્યનો પ્રચાર પ્રસાર કરાવેલ હતો.હાલ પણ આ સ્થળે ધનવંતરી ભગવાનની સમાધી આવેલ છે.
ધનતેરસના દિવસે આ સ્થળે જપ-તપ- ઉપાસના- આરાધના અને સવારે વિશેષ પુજન સાથે યજ્ઞ યોજાય છે. આ વરસે ધનવંતરી મહાયાગ યોજાવાનો છે જેમાં જાણીતા વૈદ્યરાજો પાંચાભાઇ સહીત ભારતભરના વૈદ્યો- સેવકો- દર્શનાર્થીઓ યજ્ઞમાં ભાગ લેશે.યજ્ઞના આચાર્ય તરીકે સાંદિપની આશ્રમના ડો.હિતેશ પાઠક, કાશીના ડો.વિશાલ મહેતા અને વેદાચાર્યો યજ્ઞમાં જોડાશે. યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સંધ્યા ઉપાસના પુસ્તકનું વિમોચન, મહાપ્રસાદ, સ્મૃતિચિન્હ પ્રસાદી સહીતના કાર્યક્રમો યોજાયેલ છે.મંદિરના પટાંગણમાં શિવજી અને હનુમાનજીના મંદિર છે તથા ઐતિહાસીક પૌરાણીક અજાયબી સમાન સફેદ વડ વૃક્ષ આવેલ છે. કે જેના પાંદડા નીચે લીલા અને ઉપર સફેદ રંગના છે. મંદિર પરિસરમાં મુકતેશ્વર મહાદેવનું અતી ભવ્ય પૂર્વાભિમુખ શિવમંદિર આવેલું છે અને બાજુમાં કશ્યપ નદીનો ઘાટ છે જેના 15 પગથીયા છે.