ગુજરાત

દ્વારકાધીશ જગતમંદિરમાં બુધવારે ધનતેરસ પર્વની ઉજવણી કરાઈ

Published

on

ઠાકોરજીએ ધારણ કર્યા લીલા વસ્ત્રાલંકાર

 દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે બુધવારે દિપાવલી પર્વના ઉત્સવો નિમિત્તે ધનતેરસ પર્વની ઊજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરમાં પણ ધનવન્તરી પૂજા અન્વયે ઠાકોરજીને લીલા વાઘા પરિધાન કરાવવામાં આઋફા હતા તેમજ લીલા રંગને વિશેષ પ્રાધાન્ય રહેલું હોય ઠાકોરજીને ધરાવવામાં આવતાં ભોગમાં પણ લીલા પકવાન, ભોગ ધરાવવામાં આવ્યા હતા. ધનતેરસ નિમિત્તે ઠાકોરજી વિશિષ્ટ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. આજે ગુરુવારે દિવસ દરમિયાન રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ : હાટડી દર્શન તથા દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
  • દિપાવલી પર્વે આજે ઠાકોરજી શામળા શેઠ રૂપે વેપારી બનશે – આજરોજ ગુરુવારે સાંજે દિપાવલી પર્વ નિમિત્તે ઠાકોરજીને સોનેરી રંગના વિશેષ વાઘા સાથે સંપૂર્ણ સોના ચાંદી હિરાજડિત આભુષણો તથા મસ્તક પર સુવર્ણજડિત મુગટનો શગણાર કરવામાં આવશે. નિજ મંડપમાં રંગોળી કરી પૂજારી પરિવાર દ્વારા દિપમાલા દર્શન યોજવામાં આવશે.
  • હાટડી, ત્રાજવા-તોલા સાથે ચોપડા પૂજન : સોના ચાંદીના સિકકાનું પૂજન – આજે રાત્રિના 8 વાગ્યે જગતમંદિરમાં હાટડી દર્શન યોજાશે જેમાં શ્રી દ્વારકાધીશજી શામળા શેઠ સ્વરૂપ ધારણ કરી વેપારી બનશે. ઠાકોરજીને તમામ પ્રકારની મીઠાઈઓની હાટડી ભરી, ત્રાજવા-તોલા સાથે બિરાજી ચોપડા પૂજન તેમજ લક્ષ્મી સ્વરૂપના સોના ચાંદીના સિકાનું પૂજન કરવામાં આવશે. આજે સવારના સમયે જગતમંદિરમાં રૂપ ચતુર્દશી તથા દિપાવલી પર્વ ઉજવાયો હતો. જેમાં સવારે 5:30 વાગ્યે મંગલા આરતી, રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન તેમજ દિપમાલા દર્શન યોજવામાં આવનાર છે. ઠાકોરજીના દિવ્ય દર્શનનો લાભ હજારો પ્રત્યક્ષ ભાવિકોને થશે તેમજ ઓનલાઈનના માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતો નિહાળશે. જગતમંદિરમાં તા. 1 નવેમ્બરના રોજ સાંજે 5 થી 7 અન્નકૂટ મહોત્સવ, તા. 2 નવેમ્બરે નૂતન વર્ષ તેમજ 3 નવેમ્બરે ભાઈબીજ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે.
  • દિપાવલીના તહેવારોમાં દ્વારકા બેટ દ્વારકા – યાત્રાધામોમાં માનવ મહેરામણ ઉમટ્યું –
  • એક પખવાડિયું હોટલ, ગેસ્ટ હાઉસ પણ ફુલ – આ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સર્વત્ર સારો વરસાદ થયો છે. ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં દેશના પશ્ચિમ છેવાડે આવેલ યાત્રાધામ દ્વારકામાં દિવાળીના મીની વેકેશનમાં હોટલ, ગેસ્ટ હાઉસમાં નવા વર્ષમાં સંપૂર્ણપણે બુકિંગ નોંધાયા હોય, યાત્રાધામમાં ભાવિકો તથા સહેલાણીઓની વ્યાપક ભીડભાડ જોવા મળશે. રાજ્ય સરકારે શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કર્યું છે. જેથી આશરે એક પખવાડિયા સુધી યાત્રાધામ દ્વારકા ઉપરાંત નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, શિવરાજપુર બ્લ્યુ ફલેગ બીચ, હર્ષદ (ગાંધવી), ગોપી તળાવ વગેરે ધાર્મિક સ્થળો તેમજ પર્યટન સ્થળો પર વ્યાપક ભીડભાડ જોવા મળશે.

  • આ વર્ષે સુદર્શન સેતુ પણ દર્શનીય સ્થળોમાં શામેલ થયું હોય ત્યારે સહેલાણીઓ અને મુલાકાતીઓ માટે બેટ દ્વારકા યાત્રા વધુ સુગમ બનવા સાથે સુદર્શન સેતુની મુલાકાત લેતાં જોવા મળશે. આ ઉપરાંત શિયાળાની શરૂઆત થઈ રહી હોય, ત્યારે શિવરાજપુર બીચમાં સ્કૂબા ડાઈવીંગ, બેટ દ્વારકામાં ડોલ્ફીન વ્યુઈંગ વગેરેની પણ સીઝન આવી રહી હોય ત્યારે સમગ્ર ઓખા મંડળમાં આગામી પખવાડિયું યાત્રીકો અને સહેલાણીઓની ભીડભાડવાળું રહેનાર છે. જેથી સ્થાનિક વેપારીઓમાં પણ સારા વેપારની આશા બંધાઈ છે.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી વિસ્તારોમાં બજારોમાં દિવાળીની રોનક દેખાઈ : ચિકકાર ભીડ – આ વર્ષે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેક આસો માસ સુધી વરસાદી સીઝન ઉપરાંત માવઠાઓને લીધે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાની થતાં દિવાળીના તહેવારોમાં ચાર દિવસ પહેલા સુધી કોઈ જ રોનક જોવા મળતી સ્થિતિ જોવા મળી હતી. અને દિવાળીની સીઝનમાં શહેરી વિસ્તારમાં સારા વેપારની આશાએ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓ, મીઠાઈ, ફરસાણ, ફટાકડા તેમજ અન્ય ગૃહ વપરાશની વસ્તુઓ વેંચતા વેપારીઓ ગ્રાહકો જ ન આવતા નવરા બેઠા હતા.
  • જોકે છેલ્લાં બે-ત્રણ દિવસથી લોકો દિવાળી લગતી ખરીદીઓ કરી રહયા હોય જિલ્લાના ખંભાળિયા, દ્વારકા, ભાટીયા, મીઠાપુર, રાવલ, કલ્યાણપુર, ઓખા, સુરજકરાડી સહિતના શહેરી વિસ્તારમાં બજારોમાં ચિકકાર ભીડ જોવા મળી રહી છે. જેથી વેપારીઓ સારા ધંધાની આશાએ. મોડી સાંજ રાત્રિ સુધી વેપાર કરતા જોવા મળ્યા હતા. દિવાળીના તહેવારોમાં રંગવાળા, દીવા, રોશની, ઇલેક્ટ્રોનિક ઉપકરણના વેપારીઓ, કંદોઈ, ફટાકડાવાળા, ઠંડા પીણાં, નાસ્તા વગેરેની દુકાનો ઉપરાંત ગૃહ ઉદ્યોગની વસ્તુઓ વાળાને ત્યાં ગ્રાહકો ઉમટી પડેલા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version