Site icon Gujarat Mirror

દેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધન

1984માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો

હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દેવ આનંદના પુત્ર અને ભૂતપૂર્વ અભિનેતા સુનીલ આનંદનું લંડન ખાતે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. તેઓ 70 વર્ષના હતા. આ માઠા સમાચારની પુષ્ટિ દેવ આનંદની પૌત્રી અને સુનીલ આનંદની ભત્રીજી જીના નારંગ દ્વારા કરવામાં આવી છે.સુનીલ આનંદનો જન્મ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચમાં દેવ આનંદ અને જાણીતી અભિનેત્રી કલ્પના કાર્તિકના ઘરે થયો હતો. અમેરિકામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે 1984માં રિલીઝ થયેલી ફિલ્મ આનંદ ઓર આનંદથી બોલિવૂડ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો.

આ ફિલ્મમાં તેમની સાથે પિતા દેવ આનંદ પણ મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. પ્રથમ ફિલ્મ ફ્લોપ ગયા બાદ સુનીલ આનંદે ’કાર થીફ’ અને મીનાક્ષી શેષાદ્રી સાથે ’મૈં તેરે લિયે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ એક્ટિંગમાં ધાર્યા મુજબ સફળતા ન મળતા તેમણે અભિનય કારકિર્દીથી અંતર જાળવી લીધું હતું. ત્યારબાદ તેઓ ગ્લેમર વર્લ્ડથી દૂર રહ્યા હતા અને મુંબઈ સ્થિત પિતાના હોમ પ્રોડક્શન બેનર ’નવકેતન ફિલ્મ્સ’નો સમગ્ર વહીવટ સંભાળતા હતા.

Exit mobile version