પોસ્ટ વિભાગે ડોક્યુમેન્ટ અને પાર્સલની વ્યાખ્યા સ્પષ્ટ કરી

ગ્રાહકોને ઉંચા પાર્સલ દર ચૂકવવામાંથી મળશે મુક્તિ, 1 ઓગસ્ટથી નવા નિયમો અમલમાં જો તમે પણ અવારનવાર પોસ્ટ ઓફિસ દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાગળો, ચિઠ્ઠીઓ કે પાર્સલ…

ગ્રાહકોને ઉંચા પાર્સલ દર ચૂકવવામાંથી મળશે મુક્તિ, 1 ઓગસ્ટથી નવા નિયમો અમલમાં

જો તમે પણ અવારનવાર પોસ્ટ ઓફિસ દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાગળો, ચિઠ્ઠીઓ કે પાર્સલ મોકલતા હોવ, તો આ સમાચાર ખૂબ જ મહત્વના છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા 1 ઓગસ્ટથી પત્રો, સરકારી કાગળો અને પાર્સલ મોકલવાના નિયમોમાં એક મોટો અને વ્યવહારુ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધી પોસ્ટ ઓફિસમાં કઈ વસ્તુને ‘ડોક્યુમેન્ટ’ ગણવી અને કઈ વસ્તુને ‘પાર્સલ’ ગણવી, તેને લઈને ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે અવારનવાર મૂંઝવણ ઊભી થતી હતી. આ અસ્પષ્ટતાને કારણે ઘણી વખત ગ્રાહકોને સામાન્ય કાગળો મોકલવા માટે પણ પાર્સલના ઊંચા દર ચૂકવવા પડતા હતા. પરંતુ હવે ટપાલ વિભાગે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને ‘ડોક્યુમેન્ટ’ અને ‘પાર્સલ’ની વ્યાખ્યા સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી છે, જેથી સામાન્ય ગ્રાહકોથી લઈને મોટા વ્યવસાયો સુધી સૌને પારદર્શક સેવા મળી રહે.

નવા નિયમો અનુસાર, જે પણ વસ્તુ કે સામગ્રીનું કોઈ વ્યાપારી મૂલ્ય નથી, તે તમામ વસ્તુઓને હવે ‘ડોક્યુમેન્ટ’ એટલે કે દસ્તાવેજની શ્રેણીમાં મુકવામાં આવશે. આ વર્ગીકરણથી ગ્રાહકોને મોટો ફાયદો થશે. જેમાં તમામ પ્રકારના સામાન્ય પત્રો, પ્રિન્ટેડ મટીરીયલ, ઓફિશિયલ કાગળો, બેંક વેલકમ કિટ, પાસબુક, ચેકબુક, સ્ટેટમેન્ટ્સ તેમજ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ જેવા તમામ કાગળોને હવે ડોક્યુમેન્ટ ગણવામાં આવશે. ઉપરાંત તમામ પ્રકારના સરકારી ઓળખપત્રો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી અને ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે મોકલતી વખતે તેને ડોક્યુમેન્ટ તરીકે જ બુક કરી શકાશે.

500 ગ્રામ સુધીના વજન ધરાવતા તમામ બિન-વ્યાપારી કવર કે પેકેટ્સને ડોક્યુમેન્ટ તરીકે સ્વીકારવામાં આવશે. આમાં શુભેચ્છા પાઠવતા ગ્રીટિંગ કાર્ડ્સ, રક્ષાબંધનની રાખડીઓ ધરાવતા કવર અથવા કોઈપણ અંગત પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. જો કોઈ આઈટમનું વ્યાપારી મૂલ્ય હોય, એટલે કે તે વેચાણ અર્થે મોકલવામાં આવતી હોય કે કોઈ સામાન અથવા મર્ચેન્ડાઇઝ હોય, તો તેને ડોક્યુમેન્ટ ગણવામાં આવશે નહીં પરંતુ તેને ફરજિયાત ‘પાર્સલ’ તરીકે જ સ્વીકારવામાં આવશે.

લાંબા સમયથી પોસ્ટ ઓફિસના બુકિંગ કાઉન્ટર પર દસ્તાવેજો અને પાર્સલ વચ્ચે ચોક્કસ તફાવત દર્શાવતી કોઈ સ્પષ્ટ નીતિ નહોતી. પરિણામે, નાના-મોટા કાગળો કે કાર્ડ્સ મોકલતી વખતે પણ લોકોને ગેરસમજને કારણે પાર્સલનો ચાર્જ ચૂકવવો પડતો હતો. આ સુધારાથી સામાન્ય નાગરિકો સિવાય બેંકો, વીમા કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓ કે જે રોજિંદા હજારોની સંખ્યામાં કાગળો મોકલે છે, તેમને મોટો આર્થિક અને વ્યવસ્થાપકીય ફાયદો થશે.

સ્પીડ પોસ્ટના દરો
રિટેલ એટલે કે સામાન્ય ગ્રાહકો માટે ભારત પોસ્ટ દ્વારા સ્પીડ પોસ્ટના હાલના ચાર્જમાં કોઈ ખાસ કે મોટો વધારો કરવામાં આવ્યો નથી, 24-કલાક સ્પીડ પોસ્ટ સેવા 50 ગ્રામ સુધીના વજનવાળા ડોક્યુમેન્ટ્સ માટે સ્થાનિક ડિલિવરીનો ચાર્જ રૂૂ. 38 રહેશે, જ્યારે દેશના અન્ય ભાગોમાં મોકલવા માટેનો ચાર્જ રૂૂ. 94નક્કી કરવામાં આવ્યો છે. 51 ગ્રામથી 250 ગ્રામ વજન ધરાવતા ડોક્યુમેન્ટ્સ માટે રૂૂ. 118 થી રૂૂ. 154 સુધીનો ખર્ચ થશે. જ્યારે 251 ગ્રામથી 500 ગ્રામ સુધીના કાગળો મોકલવા માટે સ્થાન અને અંતર અનુસાર રૂૂ. 140 થી રૂૂ. 186 સુધી ચૂકવવા પડશે. 48-કલાક સ્પીડ પોસ્ટ સેવા રિટેલ ગ્રાહકો માટે આ સેવાનો દર વજન અને અંતરના આધારે રૂૂ. 61 થી રૂૂ. 121 ની વચ્ચે રહેશે. જે સંસ્થાઓ કે કંપનીઓ મોટા પ્રમાણમાં ટપાલ મોકલે છે તેમના માટે અલગ બલ્ક રેટ બહાર પાડવામાં આવ્યા છે. 24-કલાકની સેવા માટે બલ્ક રેટ રૂૂ. 38 થી રૂૂ. 100 અને 48-કલાકની સેવા માટે રૂૂ. 48 થી રૂૂ. 72 ની વચ્ચે રહેશે.