મોંઘવારી-મંદી અને પાણીની તંગીની નારાજગી વિરોધમાં પરિવર્તિત થાય તે પૂર્વે યુ.પી.સહિત 5 રાજ્યો સાથે ગુજરાતની ચૂંટણી પણ યોજી નાખવાનો ભાજપનો વ્યૂહ
વડાપ્રધાનની મુલાકાત બાદ સરકાર અને સંગઠનની સક્રિયતા, આદિવાસી સહિતના વિસ્તારોમાં મુખ્યમંત્રીનું ડેમેજ ક્ધટ્રોલ વહેલી ચૂંટણી તરફ અંગુલી નિર્દેશ
ગુજરાતમાં આગામી ધારાસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર-2027ના બદલે યુ.પી.-ગોવા-મણિપુર-પંજાબ-ઉતરાખંડની સાથે આઠ મહિના વહેલી માર્ચ-2027 પહેલા યોજાય તેવા સ્પષ્ટ સંકેતો ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠનની તૈયારી પરથી મળી રહ્યા છે અને ચૂંટણી લડવા થનગનાટ ભાજપના લડવૈયાઓને પણ આ બાબતનો અંદેશો આવી ગયો હોય તેમ અત્યારથી જ હાકલા-પડકારા કરી ‘પાણી’ બતાવવા માંડ્યા છે.
ગઇકાલે રાજ્યની તમામ 182 બેઠકો ઉપર ભાજપ દ્વારા યોજાયેલ સ્નેહમિલનના કાર્યક્રમોમાં ધારાસભ્યો-પ્રધાનોએ શક્તિપ્રદર્શન કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ આ સ્નેહમિલન કાર્યક્રમોમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યુ હતુ. પરંતુ વડાપ્રધાનના સંબોધન પૂર્વે અને બાદમાં કેટલાક ધારાસભ્યોએ કરેલા સંબોધનથી ગુજરાતના રાજકારણમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ ગરમાવો આવી ગયો છે.
ગુજરાતમાં મંદી અને મોંઘવારી વચ્ચે દૂષ્કાળના ડાકલા પણ વાગી રહ્યા છે. ત્યારે આગામી ઉનાળામાં પાણીની સંભવિત તંગીના કારણે સરકાર વિરોધી માહોલ વધુ તિવ્ર બને તે પહેલા વહેલી ચૂંટણીનો જુગાર ખેલવામાં આવે તેવી શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે.
હાલ ગુજરાતમાં ખેડૂતો, યુવાનો સહિતનો વર્ગ સરકારથી નારાજ હોવાનું માનવામાં આવી રહ્યુ છે ત્યારે આ નારાજગી વિરોધમાં પરિવર્તિત થાય નહીં તે માટે સરકાર અને ભાજપ સરકાર દ્વારા અત્યારથી જ મોટાપાયે ડેમેજ ક્ધટ્રોલ શરૂ કરાયુ છે.
મુખ્યમંત્રી 3 દિવસની આદિવાસી વિસ્તારની યાત્રા તેમજ નાયબ મુખ્યમંત્રી અને ભાજપ સંગઠનની સક્રિયતાને વહેલી ચૂંટણીની દૃષ્ટીએ જોવામાં આવી રહી છે. વડાપ્રધાનના સમયાંતરે ગુજરાતના પ્રવાસો પણ આ જ બાબત તરફ નિર્દેશ કરે છે.
છેલ્લે દિપાવલીના તહેવારો પૂર્વે ગત તા.14 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાતે આવી સરકાર અને સંગઠનની બેઠક કરી કલાસ લીધા બાદ સરકાર અને સંગઠન દોડતા થઇ ગયા છે અને રોેજેરોજ અલગ-અલગ પ્રકારના રાજકીય નિવેદનો શરૂ થયા છે તે બધી બાબતો વહેલી ચૂંટણીનો ઇશારો કરી રહી છે.
ખાસ કરીને ગઇકાલે 182 બેઠકો ઉપર યોજાયેલ સ્નેહમિલનના કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદીએ કરેલુ સંબોધન ઘણું સુચક માનવામા આવી રહ્યુ છે. પી.એમ.મોદીએ સંબોધનમાં સરકારની 28 વર્ષની સફળતાનો શ્રેય કાર્યકરોને આપ્યો હતો.
આ સ્નેહમિલન માત્ર નવા વર્ષની શુભેચ્છાઓ પૂરતું સીમિત ન રહેતાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને સક્રિય કરવાનો પ્રયાસ બની રહ્યો હતો. 28 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી ભાજપ સરકારને વધુ પાંચ વર્ષ સુધી સત્તામાં જાળવી રાખવાના લક્ષ્ય સાથે આગામી એક વર્ષ સુધી કાર્યકરોને સતત સક્રિય રાખવાની રણનીતિનો સંદેશ આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
સ્નેહમિલન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધતાં પોતાના 25 વર્ષના જાહેર જીવન અને ગુજરાત સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આજે આપણે જે સ્વર્ણકાળનાં સપનાં જોઈ રહ્યા છીએ તે આવનારી પેઢી સાકાર થતું જોશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ અત્યંત મહત્વનું છે. છેલ્લા 25 વર્ષમાં જે કામગીરી થઈ છે તેના કરતાં અનેકગણું કામ આગામી 20 વર્ષમાં કરવાનું છે.
વડાપ્રધાને સમાજની એકતા અને સંગઠનની શક્તિ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, દરેક સમાજે એકતાની તાકાત આપી છે. સમાજ સાથે મળીને નવું સર્જન કરવું એ ભાજપના કાર્યકરોના સંસ્કારમાં છે. કાર્યકરોના સહકાર વિના ગુજરાતની આટલી સેવા શક્ય બની ન હોત તેમ પણ તેમણે જણાવ્યું હતું.
ભાજપમાં સામાન્ય કાર્યકરને પણ આગળ વધવાની તક મળે છે તે અંગે ઉદાહરણ આપતાં તેમણે રમેશ ભીલ અને ઓટો ચાલકમાંથી કાઉન્સિલર બનેલા અતુલ મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપમાં કાર્યકર હોવું એ જ મોટું સૌભાગ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી, ડેરી ઉદ્યોગ, કૃષિ, સેમિક્ધડક્ટર અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતની બદલાતી ઓળખનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કાર્યકરોને મહેનતમાં કોઈ કચાસ ન રાખવા અને નિરાશાવાદી અભિગમથી દૂર રહી પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી. આમ, 182 બેઠકો પર યોજાયેલા એકસાથે સ્નેહમિલન કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓની સાથે ભાજપે સંગઠનાત્મક શક્તિ, સરકારની કામગીરી અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોને સક્રિય રાખવાનો સંદેશ આપ્યો હતો. તેમણે આ સફળતાનો શ્રેય ભાજપના કાર્યકર્તાઓને આપતાં કહ્યું કે, કાર્યકર્તાઓનો સાથ, સહયોગ અને સમર્પણ ન મળ્યું હોત તો આટલું મોટું કામ કરવું શક્ય બન્યું ન હોત.
ગુજરાતના બદલાતા ચહેરાનો ઉલ્લેખ કરતાં ઙખ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે ગુજરાતની ઓળખ મુખ્યત્વે વેપાર અને ખાણ-ખનિજ સાથે જોડાયેલી હતી. પરંતુ આજે ખેતી, ડેરી, ઉદ્યોગ અને સેમિક્ધડક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં ગુજરાત દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે.
આ પરિવર્તન પાછળ ભાજપના કાર્યકર્તાઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. ઙખ મોદીએ જણાવ્યું કે, સમયની સાથે કાર્યકર્તાઓની પેઢીઓ બદલાઈ ગઈ છે. અનેક વરિષ્ઠ નેતાઓ અને મહારથીઓ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને બતાવેલી દિશા આજે પણ સંગઠનને આગળ લઈ જઈ રહ્યાં છે.
તેમણે જૂના કાર્યકર્તાઓના સંઘર્ષને યાદ કરતાં કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે આપણી પાસે સંસાધનો અને સુવિધાઓ નહોતાં, છતાં કાર્યકર્તાઓએ સેવા અને સંગઠનનું કામ ક્યારેય અટકવા દીધું નહોતું.
ઙખ મોદીના મતે ગુજરાતે આજે વિકાસની જે ઊંચાઈ હાંસલ કરી છે, તેની પાછળ વર્ષોનું સમર્પણ, કાર્યકર્તાઓની મહેનત અને જનતાનો અતૂટ વિશ્વાસ રહેલો છે. આખરે ઙખ મોદીએ આ 25 વર્ષની સફરને માત્ર સત્તાની સફર નહીં, પરંતુ સેવા, સમર્પણ, સંઘર્ષ અને ગુજરાતના પરિવર્તનની સફર ગણાવી હતી.
સાહેબ ન બની જતા, મનમાં સારા માણસ જેવો ભાવ રાખજો: સંઘવી
સુરતના મજુરા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને પોતાના રાજકીય સફરના અનુભવો પણ રજૂ કર્યા હતા.સંબોધનની શરૂૂઆતમાં હર્ષભાઈ સંઘવીએ મજૂરા વિસ્તાર સાથેના પોતાના જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મજુરાનો દીકરો હંમેશાં મજૂરાનો દીકરો જ રહેશે. આ સાથે તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પોતાનાથી પણ વધુ સમયથી ભાજપ સાથે જોડાયેલા સિનિયર કાર્યકરો તેમના માટે હંમેશાં મોટા રહેશે અને તેમનું સન્માન જળવાઈ રહેશે.કાર્યક્રમ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ પોતાના મતવિસ્તારના નગરસેવકોને પણ ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, નગરસેવકો વિસ્તારના નાગરિકોના મત અને વિશ્વાસના કારણે ચૂંટાઈને આવ્યા છે. તેથી જો કોઈ ભાજપનો કાર્યકર તેમની પાસે કામ લઈને આવે તો તેને નિરાશ ન કરવો જોઈએ. કાર્યકરોને કામ લઈને આવવા બદલ પ્રશ્નો પૂછવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, સાહેબ ન બની જતા, મનમાં સારા માણસ જેવા ભાવ રાખજો. લોકો સાથે સારો વ્યવહાર અને કાર્યકરોનું સન્માન જાળવશો તો ભવિષ્યમાં પણ લોકો તમારી સાથે જોડાયેલા રહેશે અને તમારું સન્માન કરશે. આ રીતે હર્ષ સંઘવીએ સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકરોની ભૂમિકા અને જનસેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ભાજપ અધ્યક્ષની જીભ લપસી, 182માંથી 82 બેઠકોનો સંકલ્પ
ભાજપના 182માંથી 182 બેઠકો જીતવાના દાવા વચ્ચે પ્રદેશ પ્રમુખના નિવેદનથી રાજકીય ગરમાવો, કોંગ્રેસે વીડિયો પોસ્ટ કરી કર્યો કટાક્ષગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સ્નેહમિલન સમારોહમાં એવું બોલી ગયા કે હવે કોંગ્રેસને ભાજપ પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે. આગામી ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો જીતવાના દાવા વચ્ચે જગદીશ વિશ્વકર્માની જીભ લપસી હતી અને તેઓ 182માંથી 82 બેઠકો આવશે તેવું બોલી ગયા હતા.જોકે, આ નિવેદનનો વીડિયો હવે રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કટાક્ષ કરતાં કહ્યું કે, હાલની પરિસ્થિતિ જોતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સાચું બોલી ગયા છે. ભાજપ એક તરફ 182 બેઠકો જીતવાના આત્મવિશ્વાસભર્યા દાવા કરી રહ્યું છે, ત્યારે પ્રદેશ પ્રમુખની જીભ લપસતાં કોંગ્રેસને ભાજપના દાવાઓની હવા કાઢવાની તક મળી છે.
રેતી ચોરો ભાજપના સભ્ય હશે ત્યાં સુધી રક્ષણ મળશે: શૈલેષ મહેતાના સોટા
સંઘ-વિહિપના નેતાઓની પાછળ ફરવાથી ટીકિટ મળતી નથી!
ડભોઈ ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા) એ જાહેર મંચ પરથી રેતી ચોરોને બચાવવાની ખાતરી અને વિધાનસભા ટિકિટ મુદ્દે પક્ષના વિરોધીઓને પડકાર ફેંકતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ડભોઈમાં યોજાયેલા જાહેર મંચ પરથી ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા) એ આક્રમક અને બેફામ નિવેદનો આપીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. રેતી ચોરીના મુદ્દે બોલતા તેમણે સ્પષ્ટ ખાતરી આપી હતી કે જો રેતી ચોર ભાજપ પરિવારનો સભ્ય હશે, તો તેને ચોક્કસપણે બચાવી લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના પરિવારનો સભ્ય રહેશે, ત્યાં સુધી તેને રક્ષણ આપવામાં આવશે. પોતાની નિખાલસ અને આક્રમક શૈલીનો બચાવ કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓ જે કંઈ બોલે છે તે ડંકાની ચોટ પર બોલે છે અને કોઈનાથી ગભરાતા નથી. બીજી તરફ, વિધાનસભાની ટિકિટના મુદ્દે તેમણે પક્ષના જ વિરોધીઓ અને સંગઠનમાં સક્રિય અમુક તત્વોને જાહેર મંચ પરથી સીધો પડકાર ફેંક્યો હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે પરિવારનું લેબલ લઈને કેટલાક લોકો પક્ષ પરિવારને તોડવા નીકળ્યા છે. ટિકિટ ફાળવણીની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા શૈલેષ મહેતાએ જણાવ્યું કે માત્ર આરએસએસ (RSS) કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નેતાઓની પાછળ ફરવાથી વિધાનસભાની ટિકિટ મળતી નથી. તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે વિધાનસભાની ટિકિટ નક્કી કરવાનો અંતિમ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે.
કાળા-સફેદ કપડા અને પ્રામાણિકતાના દાવા સાથે પરસોતમ સોલંકી વિરોધીઓ પર બગડ્યા
ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને કોળી સમાજના કદાવર નેતા પરશોત્તમભાઈ સોલંકી દ્વારા આયોજિત ભવ્ય સ્નેહમિલન સમારોહમાં તેમણે વિરોધીઓને આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. તાજેતરમાં ’કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ’ પ્રકારના પ્રસ્તાવના પગલે મળેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, તેની વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી પરશોત્તમ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા પરશોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, મેં જનતાને ઘણું આપ્યું છે, હું અહીં પૈસા કમાવવા આવ્યો નથી. આ તલવારો મેં એમ નથી રાખી, જરૂૂર પડે ત્યારે ઉપયોગ પણ કરું છું, જેને સમજવું હોય તે સમજી લે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પરશોત્તમ સોલંકીએ કાળા કપડાં તમારા માટે પહેર્યા છે, બાકી મારા જૂતા ખોટા જોડે લેજો જેમાં હું કાળા કપડાં પહેરીને ફર્યો હતો. જોકે જાહેર જીવનમાં અમુક મર્યાદાઓનું પાલન કરવું પડતું હોય છે.સમારોહમાં ઉપસ્થિત અન્ય આગેવાનો પર નિશાન સાધતા તેમણે ટકોર કરી હતી કે, ઘણા લોકો અહીં આવીને માત્ર દૂરથી ’સીતારામ’ કરી ભાષણો કરીને જતા રહે છે અને પછી કામ માટે શોધે તો દેખાતા પણ નથી. માત્ર ભાષણો કરવાથી કોઈનું ભલું થવાનું નથી, જ્યાં ભાજપ કરી ત્યાં કામ કરીને જાઓ.પોતાની પ્રામાણિકતાનો દાખલો આપતા તેમણે પડકાર ફેંક્યો હતો કે, અહીં બેઠેલા લોકોમાંથી કોઈ એક વ્યક્તિ પણ જણાવે કે મેં કોઈની પાસેથી એક રૂૂપિયો ખાધો છે કે હડપ કર્યો છે. દીવમાં મારી થ્રી-સ્ટાર હોટેલ છે અને મુંબઈમાં બિલ્ડિંગનો બિઝનેસ છે, આ બધું ટૂંકાવીને હું તમારી વચ્ચે રહું છું કારણ કે હું અહીં પૈસા કમાવવા આવ્યો નથી.
ચોટીલાના ધારાસભ્યનું ભ્રષ્ટાચાર સામે હુંકાર સાથે શક્તિપ્રદર્શન, કરપડા સહિતના નેતાઓ ગેરહાજર
ચોટીલા વિધાનસભા ક્ષેત્રના ભાજપના નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે આક્રમક વલણ અપનાવી લાંચિયા કર્મચારીઓને જાહેર મંચ પરથી ચેતવણી આપતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સાથે જ પાણીની સમસ્યાના નિરાકરણ માટે કરોડોની યોજનાઓ અને બાકી રહેતા આશરે 50 ગામો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.ચોટીલાના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિવારે યોજાયેલા આ સ્નેહમિલનમાં ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના ભાજપના સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના કાર્યકરો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત આશરે 2500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનમેદનીને પગલે કાર્યક્રમ ભાજપના શક્તિ પ્રદર્શન સમાન બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં કાર્યકરોની મોટી ઉપસ્થિતિ અને ધારાસભ્યના આક્રમક વક્તવ્યને જોતા આગામી વિધાનસભાની રાજકીય તૈયારીઓના સંકેતો પણ જોવા મળ્યા હતા. જોકે, શક્તિ પ્રદર્શન વચ્ચે કેટલીક જાણીતી રાજકીય હસ્તીઓની ગેરહાજરીએ સ્નેહ મિલનના રાજકીય સમીકરણો અંગે અનેક તર્કવિતર્કને વેગ આપ્યો છે. આપામાંથી ભાજપમાં જોડાઇને જિલ્લા પંચાયતના ચેરમેન બનેલા રાજુભાઈ કરપડાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. આ ઉપરાંત પ્રદેશ કક્ષાએ સ્થાન ધરાવતા બે યુવા આગેવાનોની સ્થાનિક ઘર આંગણે જ ગેરહાજરી પણ ઉપસ્થિત લોકોમાં નોંધપાત્ર ચર્ચાનું કારણ બની હતી.પ્રવચન દરમિયાન ધારાસભ્યએ કેટલાક સરકારી કર્મચારીઓ પ્રજાનાં કામ કરવાને બદલે નાણાકીય વ્યવહારમાં જ રસ ધરાવતા હોવાનો આક્ષેપ કરી આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે ઝુંબેશ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં પીજીવીસીએલના હેલ્પરને એસીબી દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હોવાના બનાવનો ઉલ્લેખ કરી, નાની માછલી પકડાઈ ગઈ પરંતુ મોટા મગરમચ્છો છટકી ગયા હોવાની ટકોર જાહેર મંચ પરથી કરી હતી. સાથે જ સરકારી વિભાગોમાં કોઈ કર્મચારી લાંચની માગણી કરે તો નાગરિકોએ જાગૃતિ દાખવી તેની જાણ કરવા અપીલ કરી હતી.
