દીપ્તિ શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાં કુલ 166 વિકેટ લીધી છે. આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. દીપ્તિએ થાઈલેન્ડની થિપાચા પુથવોન્ગનો 165 વિકેટનો અને મુખ્ય ક્રિકેટ દેશોની જ વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાની મેગન શટનો 152 વિકેટનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે. દીપ્તિએ આ અનેરી સિદ્ધિ બર્મિંગમમાં વિક્રમજનક ક્રાઉડની હાજરીમાં મેળવી હતી. આ મેચ દરમ્યાન સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા 18,814 હતી. મહિલાઓના ટી 20 વર્લ્ડ કપની એક મેચનું આ હવે રેકોર્ડ-બ્રેક ક્રાઉડ છે. એ સાથે હવે 15,935ના ક્રાઉડનો 2024ની દુબઈની મેચનો રેકોર્ડ તૂટી ગયો છે.
પ્લેયર ઑફ ધ મેચ દીપ્તિએ વિક્રમજનક બોલિંગમાં પહેલાં બે ઓવરમાં બે વિકેટ લીધી હતી અને મેચની આખરી બનેલી 17મી ઓવરમાં પાંચ બોલમાં આખરી ત્રણ વિકેટ લઈ લીધી હતી. 10 રનમાં પાંચ વિકેટ એ હવે દીપ્તિનો ભારતીય વિક્રમ છે. તેણે રેણુકા ઠાકુર 5/15 અને પ્રિયંકા રોય 5/16નો વિક્રમ તોડ્યો છે.
