કર્ણાટક કોર્ટ દ્વારા ‘રેરેસ્ટ ઓફ રેર’ ઘટના ગણી મૃત્યુદંડનો હુકમ ફરમાવ્યો વિશ્ર્વ વિખ્યાત પ્રવાસન સ્થળ પર બનેલા જઘન્યકાંડમાં ઐતિહાસિક ચૂકાદો
કર્ણાટકના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ હમ્પી નજીક એક ઇઝરાયેલી મહિલા પર્યટક સાથે થયેલા અમાનવીય સામૂહિક બળાત્કાર અને તેની ક્રૂર હત્યાના કેસમાં ન્યાયતંત્રે કડક વલણ અપનાવ્યું છે. કોપ્પલની જિલ્લા અદાલતે આ કેસમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવીને ’મૃત્યુદંડ’ એટલે કે ફાંસીની સજા ફટકારી છે. આ ચુકાદાએ સમગ્ર દેશમાં પડઘો પાડ્યો છે અને પ્રવાસીઓની સુરક્ષા અંગે ચાલી રહેલી ચર્ચાઓને ફરી વેગ આપ્યો છે.
આ ઘટના જે-તે સમયે ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે ઇઝરાયેલથી ભારત ફરવા આવેલી એક 25 વર્ષીય યુવતી હમ્પીના ઐતિહાસિક સ્થાપત્યો નિહાળવા માટે પહોંચી હતી. હમ્પી તેના સ્થાપત્યો અને પ્રાચીન વારસા માટે વિશ્વભરમાં જાણીતું છે. અહેવાલો મુજબ, આરોપીઓએ આ પ્રવાસી મહિલાને નિર્જન સ્થળે આંતરી હતી અને ત્યારબાદ તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પાશવી અત્યાચાર બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે આરોપીઓએ મહિલાની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ કૃત્યને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે ટેકનિકલ પુરાવાઓ અને સંજોગોવસાત પુરાવાઓને આધારે ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે આ ગુનો સમાજ માટે કલંક સમાન છે. નિર્દોષ પર્યટક જે ભારતની મહેમાનગતિ માણવા આવી હતી, તેની સાથે આવું કૃત્ય કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી ખરડાઈ છે. કોપ્પલ જિલ્લાના ન્યાયાધીશે ચુકાદો આપતી વખતે નોંધ્યું હતું કે, “આ અપરાધ જે રીતે કરવામાં આવ્યો છે તે જોતા તે અત્યંત જઘન્ય અને અમાનવીય છે. આવા ગુનેગારોને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી.”
અદાલતે આ કેસને ’રેરેસ્ટ ઓફ રેર’ (વિરલથી અતિ વિરલ) શ્રેણીમાં મૂકીને ત્રણેય આરોપીઓને ફાંસીની સજા જાહેર કરી હતી. ન્યાયાધીશે આશરે 100થી વધુ પાનાના ચુકાદામાં આરોપીઓના કૃત્યની આકરી ટીકા કરી હતી.
આ કેસને ઉકેલવા માટે કર્ણાટક પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) ની રચના કરી હતી. તપાસ દરમિયાન મહિલાના ફોરેન્સિક રિપોર્ટ્સ, ઘટનાસ્થળેથી મળેલા ડીએનએ નમૂનાઓ અને આરોપીઓના મોબાઈલ લોકેશન સૌથી મહત્વના પુરાવા સાબિત થયા હતા. સાક્ષીઓની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે પોલીસે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી, જેના કારણે આરોપીઓ બચી શક્યા નહીં.

