‘મોતનો ખાડો’: જૂનાગઢ મનપાના પાપે પાંચેક લોકો ખાડામાં ખાબકયા

વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ખાડો ન દેખાયો, પ્રથમ વરસાદે જ અકસ્માતોની ઘટનાથી જનતામાં તંત્ર સામે રોષ જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ…

વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ખાડો ન દેખાયો, પ્રથમ વરસાદે જ અકસ્માતોની ઘટનાથી જનતામાં તંત્ર સામે રોષ

જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા અને ખાડા પડ્યા હતા. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું હોવાના ભયાનક ઈઈઝટ સામે આવ્યા છે.

શહેરના આઝાદ ચોક વિસ્તારમાંથી તંત્રની બેદરકારીની ગંભીર પોલ ખોલતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા રસ્તો ખોદી નાખ્યા બાદ તેનું વ્યવસ્થિત પેચ વર્ક કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. વરસાદી પાણી ભરાવાને લીધે આ ખાડો ન દેખાતાં ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલક તેમાં ખાબક્યો હતો અને ફસાયો હતો. શહેરમાં ગટર અને રસ્તાના અધૂરા તેમજ અણઘડ કામો સ્થાનિક નાગરિકો માટે મોટી આફત અને સમસ્યાનું ઘર બની ગયા છે, જેને પગલે જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાડામાં ખાબક્યા બાદ બાઈક ચાલક ગોથા ખાવા લાગ્યો હતો.

આ ઘટના બાદ સવાલ એ ઊભો થાય છે કે ઊંઘમાં રહેલું આ વહીવટી તંત્ર આખરે ક્યારે જાગશે અને શું તે કોઈ નિર્દોષ નાગરિકના મોતની રાહ જોઈ રહ્યું છે. 1 જુલાઈએ એક જ જગ્યા પર ત્રણથી ચાર લોકો ખાડામાં ખાબક્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. એક ભાઈ રસ્તો ક્રોસ કરતા સમયે અચાનક પાણી ભરેલા ખાડામાં ખાબકે છે. એ બાદ ત્યાંથી પસાર થતા અન્ય એક મહિલા પણ ખાડાના કારણે જમીન પર પટકાતા જોવા મળે છે. એ જ રીતે ત્યાંથી પોતાના મોપેડ સાથે ચાલીને જતા વ્યક્તિ પર એ જ ખાડામાં ખાબકે છે. આ તમામ ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈને મોટી ઈજા પહોંચી નથી.

આ ઉપરાંત, જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલા જોષીપરા ગરનાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોઠણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક મોટરકાર અચાનક ફસાઈ ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને કારને સુરક્ષિત બહાર કાઢી હતી, જેના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.

પોલીસે માનવતા નેવે મૂકી?
આ બધાની વચ્ચે ત્યાં એક પોલીસ વાનની અંદર બેઠેલા લોકોએ પણ આ ગંભીર અકસ્માત જોયો હતો. પરંતુ તેમાંથી કોઈપણ વ્યક્તિએ વાનમાંથી બહાર નીકળીને આ લોકોની મદદ કરવાની તસ્દી લીધી ન હતી. પોલીસ વાન આ બધું જોઈને આગળ જતી રહે છે. આ વીડિયો જોઈને લોકોએ પોલીસ પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. લોકોમાં આ અંગે રોષ છે કે, જો પોલીસ ત્યાં હતી તો કેમ આ લોકોની મદદ ન કરી? શું પોલીસ લોકોની રક્ષક નથી? પોલીસ માત્ર બધું જોવા માટે જ છે? પોલીસે માનવતા નેવે મૂકી દીધી કે શું? વરસાદ હજી તો ચાલુ જ થયો છે ત્યાં તંત્રની ઢીલી કામગીરીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા દેખાય છે. તંત્રએ રસ્તો કોઈપણ કારણસર ખોદ્યા બાદ વ્યવસ્થિત પૂરાણ ન કરતા સામાન્ય રીતે આવા ખાડા પડતા હોય છે. ત્યારે શહેરના રસ્તાઓમાં ખાડા ન પડે અને પડે તો પણ એનું સમારકામ થાય એ જોવાની જવાબદારી કોની છે તે અંગે પણ લોકોમાં ઘણો જ રોષ છવાયો છે.