ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ફ્રાન્સ મુલાકાતને વધુ યાદગાર અને વ્યક્તિગત સ્પર્શ આપતાં હિન્દી ભાષામાં એક ખાસ વિદાય સંદેશ આપ્યો છે, જે હાલમાં વૈશ્વિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી7 (ૠ7) સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સના પ્રવાસે હતા, જ્યાં તેઓએ વિશ્વના અનેક ટોચના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજીને ભારતના રાજદ્વારી સંબંધોને નવી ઊંચાઈ આપી છે.
મુલાકાતના અંતે ફ્રેન્ચ રાષ્ટ્રપ્રમુખે હિન્દીમાં આપેલા સન્માનજનક સંદેશાથી બંને દેશો વચ્ચેની ગાઢ આત્મીયતા અને પર્સનલ બોન્ડિંગ ફરી એકવાર દુનિયા સમક્ષ પ્રદર્શિત થયું છે.
એક ખાસ વીડિયો સંદેશમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હિન્દીમાં આવકારતા જણાવ્યું હતું કે, પ્રિય મિત્ર નરેન્દ્ર, મુઝે બહુત ખુશી હૈ, દૌરે કે લિયે સ્વાગત કરતે, ફ્રાન્સ ભારત કી દોસ્તી અમર રહે. આ હિન્દી સંદેશ આપ્યા બાદ મેક્રોને હસતા હસતા અંગ્રેજીમાં કહ્યું કે, હું આશા રાખું છું કે આ બિલકુલ સાચું હતું. ત્યારબાદ તેઓએ અંગ્રેજીમાં પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, તમારી આ મુલાકાત અને આપણી મિત્રતા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ મુલાકાત અત્યંત ફળદાયી રહી છે. ફ્રાન્સ તમને પ્રેમ કરે છે. અમે ફેબ્રુઆરી મહિનામાં ટૂંક સમયમાં તમને ફરીથી મળવા માટે આતુર છીએ. જય હિન્દ. ફ્રેન્ચ પ્રમુખની આ ટિપ્પણી બંને નેતાઓ વચ્ચેના ગાઢ અંગત સંબંધો અને ભારત-ફ્રાન્સ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને દર્શાવે છે.
આ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો દરમિયાન બંને નેતાઓએ સૈન્ય ભાગીદારીની મજબૂત ગતિનો સ્વીકાર કર્યો હતો અને અદ્યતન સંરક્ષણ પ્લેટફોર્મ્સ તથા ટેકનોલોજીના કો-ડિઝાઇન, કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન (સહ-ઉત્પાદન) દ્વારા આ સહયોગને વધુ મજબૂત કરવા સંમતિ દર્શાવી હતી, જે ભારતના આત્મનિર્ભરતાના લક્ષ્યોને અનુરૂૂપ લાંબા ગાળાની સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત કરશે. આ ઉપરાંત, બંને પક્ષોએ સ્પેસ સેક્ટરમાં પણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. પીએમ નરેન્દ્રભાઈ મોદી અને પ્રમુખ મેક્રોને હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ્સ, સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ અને એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તકો શોધી કાઢી હતી તેમજ સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો.
