માણાવદરની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના વાંકે મૃતદેહ રઝળ્યો

સરકારી તંત્રની ઘોર બેદરકારી : પાલિકાની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાનો પ્રમુખનો લુલો બચાવ માણાવદર તાલુકાના કોડવાવ ગામે એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં કામ…

સરકારી તંત્રની ઘોર બેદરકારી : પાલિકાની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાનો પ્રમુખનો લુલો બચાવ

માણાવદર તાલુકાના કોડવાવ ગામે એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં કામ કરતી વખતે ઊંચાઈ પરથી પડી જતાં ઋત્વિક મહેશભાઈ ચુડાસમા નામના યુવકનું મોત થયું હતું. આ અકસ્માત બાદ મૃતકના પરિવારજનો અને મિત્રો સાંજે 4:00 વાગ્યાથી સારવાર અને પોસ્ટમોર્ટમની વિધિ માટે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. પીએમ થયાને કલાકો વીતી ગયા હોવા છતાં, હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારીને કારણે રાત્રે 11:15 વાગ્યા સુધી મૃતદેહને વતન લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સ મળી શકી ન હતી.

મૃતકના મિત્ર ધવલ ચુડાસમાએ હોસ્પિટલમાં પૂછપરછ કરતાં સત્તાધીશોએ એવો ચોંકાવનારો જવાબ આપ્યો હતો કે, હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ તો છે પરંતુ ડ્રાઈવર છેલ્લા બે દિવસથી રજા પર છે. કટોકટીના સમયે વૈકલ્પિક ડ્રાઈવરની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે હોસ્પિટલની સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ જોવા મળી હતી.
માણાવદરના વેપારી પરેશભાઇ અઢીયાએ જણાવ્યું કે સ્થાનિક નગરપાલિકામાં તપાસ કરવામાં આવતા ત્યાંના પ્રમુખે પણ લૂલો બચાવ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, સાંસદની ગ્રાન્ટમાંથી નવી એમ્બ્યુલન્સ મંજૂર થઈ છે અને તે ટૂંક સમયમાં આવવાની છે, જેના કારણે અત્યારે પાલિકાની જૂની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં પડી છે. તંત્રના આવા વાહિયાત બહાનાઓને લીધે શોકગ્રસ્ત પરિવાર ભારે માનસિક યાતનાનો ભોગ બન્યો હતો.

માણાવદર એ આસપાસના 56 ગામોના તાલુકાનું મુખ્ય કેન્દ્ર છે. આટલા મોટા કેન્દ્ર સ્થાને એક પણ એમ્બ્યુલન્સ હાજરમાં ન હોવી તે સરકારી આરોગ્ય સુવિધાઓના દાવાઓની પોલ ખોલે છે. અંતે પરિવારે ભારે હાલાકી વેઠીને છેક બાંટવા ગામમાંથી એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી અને રાત્રે મોડેથી પાર્થિવ દેહને ઘરે લઈ જઈ શકાયો હતો.