ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એસ.મકરાણીની કામગીરીની નોંધ લઇ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ તેમને પ્રશંસા પત્ર આપી તેમની પીઠ થાબડી હતી.
ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.એસ.મકરાણીએ તાજેતરમાં જ મેડિકલ કલેઇમ પકવવાના કૌભાંડ અને ઇન્દિરા સર્કલ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ ઉમદા કામગીરી કરી હતી. પીએસઆઇની આ કામગીરીની ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ નોંધ લઇ તેમને પ્રશંસા પત્ર આપ્યો છે.ડીસીપીએ પ્રશંસા પત્રમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા ઉત્તમ પ્રદર્શન અને ફરજ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતા મને ખૂબ આનંદ થાય છે.
તમે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા કેસોની યોગ્ય તપાસ કરી છે.તમને સોંપવામાં આવેલી અરજીઓનો પણ તમે સમયમયાર્દામાં નિકાલ કર્યો છે. પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરીને પણ યોગ્ય ન્યાય આપી કેસના નિકાલ, જનસંપર્ક અને ગુના નિવારણ પગલાંમાં સુધારો કર્યો છે. તમારી મહેનત અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. ઉત્તમ કાર્ય ચાલુ રાખો અને પોલીસ સેવાના મુખ્ય મૂલ્યોને જાળવી રાખો. તેવી ડીસીપીએ પીએસઆઇને શુભકામના પાઠવી હતી.

