રાષ્ટ્રીય
ફેંગલ વાવાઝોડાનો કહેર: તામિલનાડુ, પુડુચેરીમાં વરસાદ
ચેન્નાઇ એરપોર્ટથી ફ્લાઇટ્સ સ્થગિત: વૃક્ષો ઉખડી પડયા, 7 જિલ્લામાં રેડ-એલર્ટ, બચાવ ટુકડી ખડે પગે
તમિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં ભારે વરસાદ ચાલુ હોવાથી, આજે સાંજે 7 વાગ્યા સુધી ચેન્નાઈ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સ્થગિત કરવામાં આવી છે. બંગાળની ખાડી પર ફરતું ચક્રવાતી તોફાન ફેંગલ આજે સાંજે પુડુચેરી પર ત્રાટકે તેવી શક્યતા છે, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું.
તમિલનાડુ સરકારે રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓ માટે રજા જાહેર કરી છે અને આઇટી કંપનીઓને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવા વિનંતી કરવામાં આવી છે. ઈસ્ટ કોસ્ટ રોડ અને ઓલ્ડ મહાબલીપુરમ રોડ પર આજે બપોર બાદ જાહેર પરિવહન સેવાઓ બંધ રહેશે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આજે ચેન્નાઈમાં કંટ્રોલ રૂૂમમાં ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
164 પરિવારોના 471 જેટલા લોકોને તિરુવલ્લુર અને નાગાપટ્ટિનમ જિલ્લાના છ રાહત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં, બોટ, જનરેટર, મોટર પંપ અને જરૂૂરી સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે અને એનડીઆરએફ, રાજ્ય બચાવ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
વાવાઝોડુ ઉતર તામિલનાડુ- પોંડીચેરીના દરીયા કિનારા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. ભારે વરસાદના કારણે ચેન્નાઇમાં 134 સ્થળે પાણી ભરાયા હતા. 7 મુખ્ય સબ-વે બંધ કરાયા હતા. આ ઉપરાંત ચેન્નાઇ, તિરૂવલ્લુર, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, કલ્લાકુરિચી, કુડુલોર જિલ્લાઓ અને પોંડીચેરી સહીત 7 જિલ્લામાં રેડએલર્ટ જારી કરાઇ છે.