Site icon Gujarat Mirror

દુબઇથી સંચાલિત સાયબર ફ્રોડનું કૌભાંડ, જેતપુરના નવ ઝડપાયા

ફોરેકસ ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી મારફતે 95 લાખની હેરાફેરી, દુબઇના સૂત્રધારને પકડવા તજવીજ

સાયબર ફ્રોડના પૈસા એકાઉન્ટમાં જમા કરાવડાવી ખાતેદારને 1 ટકા કમિશન અપાતું

જેતપુર સિટી ગ્રામ્ય વિસ્તારમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડની શોધ ચલાવતી સાયબર ક્રાઈમ પોલીસે દૂબઈથી સંચાલન થતા સાયબર રેકેટનો ઘટસ્ફોટ કરી ફોરેકસ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સી, આંગડિયા સહિતના આર્થિક વ્યવહારોના માધ્યમોથી 95 લાખની હેરફેરનું કૌભાંડ પકડી પાડી 10 સામે કાર્યવાહી કરી છે. જેમાંથી નવ શખ્સોને ઝબ્બે કરી લીધા છે.

જેતપુર પોલીસ મથકની અલગ-અલગ ટીમોએ મ્યુલ બેન્ક એકાઉન્ટોના હોલ્ડરોની સમન્વય પોર્ટલ તથા એનસીસીઆરપી પોર્ટલ તળે સાયબર ફ્રોડના ભોગ બનનાર વ્યક્તિઓના બેન્ક ટ્રાન્ઝેકશનોની પ્રાથમિક તપાસ કરતા આરોપીઓએ એજન્ટો સાથે સાંઠ-ગાંઠ રચી રૂૂા.94,89,077 જેવી જંગી રકમ ફોરેકસ ટ્રેડિંગ અને ક્રિપ્ટો કરન્સી મારફતે ભારતના અલગ-અલગ એકાઉન્ટોમાં ચેકથી વીડ્રો કરી સાયબર ફ્રોડના નાણાં સગવગે કરવાના દૂબઈ સંચાલિત રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

આ કૌભાંડમાં એકલા જેતપુરના 8 શખ્સો અને અમદાવાદન એક તથા દુબઈના સૂત્રધાર મળી 10ની સંડોવણી માલુમ પડી હતી. આ પ્રકરણમાં મહત્વના પુરાવા તરીકે રૂૂા. અઢી લાખની કિંમતના 10 મોબાઈલ ફોન કબજે લીધા છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર દૂબઈ સ્થિત મનખુશ એરિયામાં રહેતો અને મૂળ અમરેલી જિલ્લાના વાવડીનો વતની રાહુલ પટેલ હોવાનું મનાય છે. તેની અટક કરવાની હજ બાકી છે.

એજન્ટ જેતપુરના મજૂરી કામ કરતા કે સામાન્ય નોકરી કરતા યુવાનોને ટાર્ગેટ કરતા હતા. “તમારા ખાતામાં પૈસા આવશે અને તમને 1% કમિશન મળશે” તેવી લાલચ આપી તેમના નામે યુનિયન બેંક, એસ.બી.આઈ., બેંક ઓફ બરોડા જેવી બેંકોમાં ખાતા ખોલાવવામાં આવતા. સાયબર ફ્રોડના નાણાં આ ખાતાઓમાં જમા થતા,
જે રોકડા ઉપાડી આંગડિયા મારફતે મુખ્ય આરોપી સુધી પહોંચાડવામાં આવતા.

જેતપુર સીટી પોલીસે આ પ્રકરણમાં દિપસન જેન્તીભાઈ ગોહેલ (રહે. જેતપુર),વરૂૂણ કાનાભાઈ લુણી (રહે. જેતપુર), ઉમેશ રવજીભાઇ ભોજૈયા (રહે. જેતપુર), પ્રકાશ મગનભાઇ રાઠોડ (રહે. જેતપુર), શાહીલ કાનજીભાઈ જાડેજા (રહે. જેતપુર), પ્રદીપ ભરતભાઇ બાયલ (રહે. જેતપુર), પાર્થિવ કિશોરભાઈ ગોવાણી (રહે. જેતપુર) – એજન્ટ, કેવલ જેન્તીભાઇ સીતાપરા (રહે. જેતપુર) મુખ્ય એજન્ટ, હર્ષદ હેમરાજભાઇ દેસાઇ (રહે. જુનાગઢ) દુબઈ લિંક રાહુલ પટેલ (રહે. દુબઈ)ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.પોલીસે ’સમન્વય’ પોર્ટલ પર તપાસ કરતા આ ખાતાઓનો ઉપયોગ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડ અને કેરળ જેવા રાજ્યોના અનેક નિર્દોષ લોકો સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેતપુર હેડ કોન્સ્ટેબલ ધવલ ગાજીપરાએ સરકાર તરફે ફરિયાદી બની આ ગુનો દાખલ કરાવ્યો છે.

રાજકોટના શખ્સે પોતાનું ખાતુ 5 હજારના કમિશન માટે ભાડે આપ્યું, 83 લાખની હેરાફેરી ખુલી
મ્યુલ એકાઉન્ટને લઇ ગુજરાત પોલીસ દ્વારા એકાઉન્ટ ભાડે આપનાર શખ્સો સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે મેટોડા પોલીસ સ્ટેશને રાજકોટનાં કોઠારીયા મેઇન રોડ પર ઋષી પ્રસાદ સોસાયટીમા રહેતા જીજ્ઞેશ ભીમાભાઇ કુકડીયા સામે ગુનો નોંધ્યો હતો . જેમા આરોપી જીજ્ઞેશે પોતાનુ બેન્ક એકાઉન્ટ ખોલી પાંચ હજારનુ કમીશન મેળવી બેંક એકાઉન્ટ તથા બેંકની કીટ જસદણનાં રાજા વડલામા રહેતા વનરાજ રણછોડ ગાબુ અને નરેશ રણછોડ ગાબુને આપી હતી. આ બંને શખ્સોએ છેતરપીંડીનાં 83 લાખ રૂપીયાનાં વ્યવહાર કર્યા હોવાનુ જાણવા મળતા આ બંને શખ્સોની શોધખોળ કરવામા આવી છે.

ગોંડલના બે શખ્સોએ ખાતામાં 15.71 લાખ જમા કરાવી કમિશન મેળવ્યું હતું, ધરપકડ
દેશભરમા સાયબર ફ્રોડ કરતી ટોળકીની ચેઇન તોડવા માટે સાયબર સેલ ગાંધીનગર દ્વારા ફરીયાદ નોંધવામા આવી રહી છે ત્યારે ગોંડલનાં બે શખ્સોએ પોતાનાં ખાતામા સાયબર ફ્રોડનાં 15.71 લાખ જમા કરાવડાવી મોટુ કમીશન મેળવી અને ફ્રોડનાં નાણાની હેરાફેરી કરી હોવાનુ ખુલતા ગોંડલ બી ડીવીઝન પોલીસનાં પીઆઇ જે. પી. રાવ અને પીએસઆઇ એ. વી. સાંખટ સહીતનાં સ્ટાફે વોરા કોટડા રોડ આવાસ કવાર્ટરમા રહેતા વિશાલ પરસોતમ ડાભી અને ધાર્મીક દીલીપભાઇ ચૌહાણને પકડી લઇ તેની પુછપરછ કરતા આ પૈસા ધોરાજીનાં મેમણ પ્લાઝા પોસ્ટ ઓફીસ પાસે રહેતા સાહીલ શેખે જમા કરાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ . આ માટે સાહીલની શોધખોળ શરુ કરી છે.

Exit mobile version